હોમ ગાર્ડ ટેસ્ટ વખતે બેભાન બનેલી એક યુવતી સાથે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરાયો

બિહારના ગયા જિલ્લામાં હોમગાર્ડ ભરતી અભિયાનમાં ભાગ લઈ રહેલી 26 વર્ષીય મહિલા ફિઝિકલ ટેસ્ટ વખતે બેભાન બની હતી જે પછી તો તેની સાથે વધુ ભયાનક ઘટના બની હતી. બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલમાં લઈ જતી વખતે ચાલતી એમ્બ્યુલન્સમાં કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
કાર્યક્રમના આયોજકોએ સ્થળ પર હાજર એમ્બ્યુલન્સ દ્વારા તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. મહિલાનો આરોપ છે કે જ્યારે તે બેભાન હતી ત્યારે એમ્બ્યુલન્સની અંદર અનેક વ્યક્તિઓ દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરીયાદને આધારે બોધ ગયા પોલીસે FIR નોંધી છે. આ મામલાની તપાસ માટે એક SIT અને ફોરેન્સિક ટીમ તૈનાત કરવામાં આવી હતી. FIR નોંધાયાના થોડા કલાકોમાં, SIT એ બે શંકાસ્પદોની ધરપકડ કરી, જેમની ઓળખ એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિનય કુમાર અને એમ્બ્યુલન્સમાં રહેલા ટેકનિશિયન અજિત કુમાર તરીકે થઈ હતી. આ બંને વ્યક્તિઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મહિલાએ જણાવ્યું હતું કે હોમ ગાર્ડની ફિટનેસ ટેસ્ટ વખતે તે બેભાન થઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે તે બેભાન જેવી હાલતમાં પડી હતી અને તેને ઝાંખું ઝાંખું દેખાતું હતું. એમ્બ્યુલન્સની અંદર ત્રણથી ચાર માણસોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.





