AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 : 30 દેશોના 291 એથલિટ્સ કરશે ભાગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના સુવિધાસભર વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓગસ્ટથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ થવાનો છે. 24મી ઓગસ્ટે ઉદ્ઘાટન સમારોહ બાદ 25થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત) તથા ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં કોમનવેલ્થના 30 દેશોના કુલ 291 જેટલા પ્રતિભાશાળી એથલિટ્સ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માત્ર મેડલ માટેની જ નહીં પરંતુ 2026માં ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેની ક્વોલિફાયર ઇવેન્ટ પણ સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની આ ચેમ્પિયનશિપમાં 144 મેડલ્સ માટે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીઝમાં સ્પર્ધાઓ યોજાશે. ભારતીય દળમાં અનેક પ્રતિભાશાળી વેઇટ લિફ્ટર્સ પોતાની શક્તિ અને કુશળતાનો પરિચય આપશે. ખાસ કરીને ત્રણ વખતના કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ, પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા તથા ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુંના સ્પર્ધામાં ઉતરવાથી ભારતીય ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રેસ બ્રિફિંગ દરમિયાન ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડન્ટ સહદેવ યાદવ, સીઈઓ અશ્વની કુમાર તથા ચેમ્પિયનશિપના ડિરેક્ટર ઓફ કોમ્પિટિશન્સ કુંબાસી સુબ્રમણ્યએ સ્પર્ધાના આયોજન, એથલિટ્સની હાજરી, ટેકનિકલ વ્યવસ્થા અને સુરક્ષા બાબતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ, રમત વિકાસ અધિકારીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓનું સફળ આયોજન કરીને ઓલિમ્પિક 2036ના આયોજન માટે પોતાની તૈયારીઓ અને પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. આવનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 આ દિશામાં એક વધુ સશક્ત કદમ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!