
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કાળઝાળ ઉનાળામાં પાણીની અછત દૂર કરવા તળાવો, કુંડ અને ટેન્કર દ્વારા પાણી પુરવઠો,માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા દિશામાં મહત્વપૂર્ણ પગલુ..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે.હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જંગલ વિસ્તારમાં વસતા જંગલી પ્રાણીઓ માટે પાણીની અછત ઊભી થવાની સંભાવના વચ્ચે ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.મુરાલીલાલ મિણા દ્વારા સરાહનીય અને માનવતાભર્યું પગલુ લેવામાં આવ્યુ છે. ઉત્તર વન વિભાગે જંગલી પ્રાણીઓ માટે પીવાના પાણીના સ્થાયી અને સુવ્યવસ્થિત સ્ત્રોતો ઉભા કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે.ઉત્તર વન વિભાગ દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં નાના તળાવો, કુંડ તેમજ પાણી સંગ્રહ માટેના ખાડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, પાણીના ટેન્કર મારફતે નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ જંગલી પ્રાણીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ બની રહ્યું છે.તાજેતરમાં બનાવાયેલા એક પાણીના કુંડમાં ટેન્કર દ્વારા પાણી ભરવાની કામગીરી જોવા મળી હતી.આ કુંડને આસપાસથી પથ્થરો વડે મજબૂત બનાવવામાં આવ્યું છે, જેથી પાણી લાંબા સમય સુધી સચવાઈ રહે અને પ્રાણીઓને સતત લાભ મળે.ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ મુરાલીલાલ મિણાએ જણાવ્યું હતું કે ઉનાળાના કપરા સમયમાં જંગલી પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસાહતો તરફ વળતા હોય છે, જેનાથી માનવ-વન્યજીવ સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા અને પ્રાણીઓ જંગલ વિસ્તારમાં જ સુરક્ષિત રહે તે માટે આ પહેલ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.સ્થાનિક રહેવાસીઓ તથા પર્યાવરણપ્રેમીઓએ વન વિભાગના આ પ્રયત્નોને વખાણ્યા છે અને જણાવ્યું છે કે આ પ્રકારના સકારાત્મક પગલા જંગલના પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ઉત્તર ડાંગ વન વિભાગની આ પહેલ પર્યાવરણ સંરક્ષણ તરફ એક પ્રેરણાદાયી પગલું બની રહી છે, જે જંગલી પ્રાણીઓના જીવન રક્ષણ સાથે સાથે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં પણ સહાયક બની રહી છે..






