Jasdan: સરકારી તાલુકા પુસ્તકાલય જસદણ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો
તા.૧૩/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યુવાનો ખૂબ વાંચે,મનન કરે અને ગ્રુપ ડિસ્કશન કરે તે જરૂરી: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણના સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગ્રંથાલય ખાતા સંચાલિત સરકારી તાલુકા પુસ્તકાલય, જસદણ ખાતે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શન સેમિનારમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અધિકારીશ્રીઓએ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા સતત મહેનત કરવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને સરકારી નોકરીઓમા જોડાઈ રાજ્ય અને દેશની સેવા કરી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાહિત્ય મળી રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં નિયમિત ભરતી કરવામાં આવે છે. ત્યારે યુવાનો ખૂબ વાંચે, મનન કરે અને ગ્રુપ ડિસ્કશન કરે તે જરૂરી છે, વિદ્યાર્થીઓને નાસીપાસ થયા વગર જીવનમાં સતત આગળ વધવા મંત્રીશ્રીએ પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની જરૂરિયાત મુજબ તાલુકા મથકે જે સુવિધાની જરૂરિયાત હશે તે પૂરી કરાશે, તેવી કટિબદ્ધતા દાખવી મંત્રીશ્રીએ જનરલ નોલેજ તથા અંગ્રેજી ગ્રામર પુસ્તકના ૨૫ સેટ લાઈબ્રેરીને ભેટ કર્યા હતા. તેમજ જો વધુ પુસ્તકોની જરૂરિયાત હશે તો તે પણ પુરા પાડવામાં આવશે, તેમ કહી મંત્રીશ્રીએ માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ‘‘ગુજરાત’’ પાક્ષિક સહિતના વિવિધ યોજનાકીય પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે, તેમ જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી આર.આર.ખાંભરાએ પરીક્ષાની તૈયારી માટે લઘુતાગ્રંથિ છોડવા તેમજ નાના સેન્ટરમાં રહીને પણ સરકારી નોકરીની તૈયારી કરી શકાય, તે અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત એન.સી.ઈ.આર.ટી. તેમજ જી.સી.ઈ.આર.ટી.ના પુસ્તકોથી વાંચનની શરૂઆત કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત નિયમિત ન્યુઝ પેપર વાંચવા, સીલેબસ મુજબ તૈયારી કરવા, સોશિયલ મીડિયાનો પરીક્ષાની તૈયારીમાં ઉપયોગ કરવા, અગાઉની પરીક્ષાના પેપર્સનો અભ્યાસ કરવા સહિત વિસ્તૃત જાણકારી આપી હતી.
મામલતદારશ્રી આઈ.જી. ઝાલાએ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દુર રહેવા તેમજ ભાષા અને તર્ક પર ભાર આપવા, લોજિકલ એબિલિટી વધારવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રસંગે શાબ્દિક સ્વાગત મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી એલ.આર.મોઢે કરી સેમિનારની જાણકારી આપી હતી. લાઇબ્રેરીના વાચકશ્રી દિક્ષિતાબેન પંચાલે વાચક તરીકેના પ્રતિભાવો આવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ સહિત મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારની આભાર વિધિ ગ્રંથપાલશ્રી હાર્દિકભાઈ મણીયારે તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી એચ.ડી.ગઢવીએ કર્યુ હતુ.