નશાબંધીના કાયદામાં સુધારો દારૂની ખેપમાં જપ્ત થયેલી ગાડીઓની હરાજી ની સતા પોલીસ ને અપાય
ગુજરાતમાં નશાબંધીના કાયદાનો અમલ કરવામાં આવ્યાં પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહનોના નિકાલ માટે હવે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય અધિનિયમમાં સુધારો કરીને 'સુધારા વિધેયક' પસાર કર્યું છે. જેમાં હવે ખેપના વાહનોનો નિકાલ કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જે સત્રના આજે બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના ગેરકાયદે વપરાશ અને તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી થશે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધીને આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે. આ દરમિયાન, છેલ્લા બે વર્ષમાં રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 22442 જેટલાં વાહનો ભેગા થઇ ગયા છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવતા ગંદકી ઊભી થાય છે અને વાહનોને કાટ લાગી જવાથી ખરાબ થઈ જાય અને છેલ્લે આરોપી નહિ પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે. જેથી આવા ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તેની રકમનો ઉપયોગ સમાજ અને મધ્યમ વર્ગના ઉત્થાનના કામ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. કોઈ કેસમાં જો આરોપી સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકાના દરે રકમ ચૂકવવામાં આવશે, જેથી તેની જોડે પણ અન્યાય ન થાય.’
ગૃહ રાજ્યમંત્રીએ ગૃહના સભ્યોને આ વિધેયકને સર્વ સંમતિથી પસાર કરવાની વાત કરી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર અવાર-નવાર સુધારો કરવામાં આવે છે. જે રીતે ગુજરાતમાં દારૂ પીવાની પરમીટ આપવામાં આવે છે અને તેની આવક જરૂરી છે, તો સામન્ય માણસને કોઈ દિવસ મેડીકલ ગ્રાઉન્ડ પર પરમીટ મળશે જ નહિ. ઝોમેટોની જેમ દારૂની ઘેર ડિલિવરી થાય છે. જ્યારે બીજી તરફ, 6-7 જિલ્લાની બોર્ડર ક્રોસ કરીને જામનગરમાં દારૂ આવે છે, ત્યારે કેવી રીતે દારુ આવી રહ્યો છે તેને લઈને ચર્ચા થવી જોઈએ. 2004થી 2014ની અંદરમાં 10 કરોડ યુનિટ અને 2014થી 2022 દરમિયાન 22 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું છે, જે ચિંતાનો વિષય છે. શા માટે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાઈ છે? ગુજરાતનો દરિયા કિનારો સલામત હોય તો આટલું બધું ડ્રગ્સ કેમ પકડાય છે? ડ્રગ્સ કોઈ દિવસ નાની હોડીમાં વિદેશથી ના આવે, કોઈ મોટા સ્ટીમરમાં જ આવે છે, ત્યારે નાની-નાની માછલીઓને પકડી તપાસ રફાદફાં કરવામાં આવે છે.