જૂનાગઢના પત્રકારની સચ્ચાઈ : સોનાની ચેઇન પોલીસને સોંપી, બન્યા પ્રેરણાસ્ત્રોત
જુનાગઢ ન્યૂઝ20 ગુજરાતીના પત્રકાર હરસુખ વાળાની પ્રામાણિકતા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલા સાંતેશ્વર મંદિર નજીકના રસ્તા પર કોઈ રાહદારીની એક કીમતી સોનાની ચેઇન પડી ગઈ હશે તેની તેને જાણ પણ નહીં હોય. તે દરમિયાન ત્યાંથી ન્યૂઝ20 ગુજરાતીના પત્રકાર હરસુખ વાળાની નજર આ ચેઇન પર પડી, જેમણે તેને સુરક્ષિત રીતે પોતાની પાસે રાખી અને તેના માલિકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા. લગભગ 15-20 દિવસની રાહ જોયા બાદ, જ્યારે ચેઇનનો માલિક મળ્યો નહીં, ત્યારે પત્રકારે ચેઇનની ગુણવત્તા અને વજનની ચકાસણી કરાવી. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી કસોટીમાં ચેઇન શુદ્ધ સોનાની હોવાનું સ્પષ્ટ થયું, જેની કિંમત નોંધપાત્ર હોવાનું જણાયું. આ પછી, પત્રકાર હરસુખ વાળાએ કોઈ પણ વિલંબ કર્યા વિના જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાનો સંપર્ક સાધ્યો અને આ સોનાની ચેઇનને ઔપચારિક રીતે પોલીસને સોંપી દીધી. પોલીસે પત્રકાર હરસુખ વાળાની આ પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી અને ભાવનાની પ્રશંસા કરી અને ચેઇનને તેના હકદાર માલિક સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયા શરૂ કરી. આ ઘટના નેત્રમ પોલીસ શાખા, જૂનાગઢના અધિકારીઓ અને સ્થાનિક સમુદાય માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. પત્રકારની આ નિષ્ઠા અને સચ્ચાઈ આજના સમયમાં સમાજમાં વિશ્વાસ અને પ્રામાણિકતાનું મૂલ્ય સ્થાપિત કરે છે.
તેમજ નેત્રમ શાખાના અધિકારી દ્વારા આ સોનાની ચેઇન જે વ્યક્તિની ખોવાઈ હોય, તેઓએ પોતાની ઓળખ દર્શાવતા દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ અને ચેઇનની ખરીદીનું બિલ અથવા અન્ય સંબંધિત પુરાવા સાથે નેત્રમ પોલીસ શાખા, જૂનાગઢનો સંપર્ક કરવો. અને પોલીસ દ્વારા યોગ્ય તપાસ બાદ ચેઇન તેના હકદાર માલિકને પરત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
આમ આ ઘટના દર્શાવે છે કે પ્રામાણિકતા અને નૈતિકતા હજુ પણ આપણા સમાજનો મજબૂત આધાર છે. આવા કાર્યો નાગરિકોમાં વિશ્વાસ જગાડે છે અને સમુદાયને વધુ સશક્ત બનાવે છે.




