BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ચોર સમજી ખાણખનીજના અધિકારીઓને ધક્કે ચડાવ્યા:ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓને નેત્રંગમાં રોકી લોકોએ ગેરવર્તન કર્યું, પોલીસે ચાર લોકોની અટકાયત કરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો. આ મામલે અધિકારીઓએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન સંગ્રહ જેવી પ્રવૃતિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા. તેઓ ઝઘડિયા જીઆઇડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી, આઈકાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું.
લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટપલી દાવ પણ કર્યો હતો. અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો. આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પંકજ આર. વસાવા, પંકજ.એ.વસાવા, જીગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે નેત્રંગ પીઆઈ આર.સી.વસાવાએ જણાવ્યું હતું કે,સુરત ફ્લાઈંગ ટીમના અધિકારીઓ નેત્રંગ જવા માટે અસનાવી ગામ નજીક આવતા ગ્રામજનોના ટોળા તેમની કારને અટકાવી તેઓના આઇડી માંગતા તેઓએ તે બતાવ્યા બાદ પણ લોકોને તેમના પર શંકા જતાં મામલો ગરમાયો હતો.પરતું ત્યાં તરત પોલીસ પહોંચી તેમને પોલીસ મથક લાવી ખાત્રી કરતા તેઓએ ખાણ ખનીજના અધિકારીઓ હોવાનું માલુમ પડતા તેઓ દ્વારા ચાર વ્યક્તિઓ સામે અરજી આપતા તેઓના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે પીઆઈએ લોકોને અપીલ પણ કરી છે કે કાયદો પોતાના હાથમાં ન લો કઈ પણ જણાય પહેલા પોલીસને જાણ કરવા જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!