ARAVALLIGUJARATMODASA

મોડાસાના આનંદપુરા કંપામાં પ્રભુ રામના રાજ્યાભિષેક સાથે રામકથાની પૂર્ણાહુતિ – “પ્રભુ રામનો પ્રેમ એ જ સત્ય છે” – પૂ. જનાર્દન હરિજી મહારાજ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના આનંદપુરા કંપામાં પ્રભુ રામના રાજ્યાભિષેક સાથે રામકથાની પૂર્ણાહુતિ – “પ્રભુ રામનો પ્રેમ એ જ સત્ય છે” – પૂ. જનાર્દન હરિજી મહારાજ

મોડાસા નજીક આવેલા આનંદપુરા કંપામાં પૂજ્ય કથાકાર પ.પૂ. સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે સાત દિવસથી ચાલતી રામચરિત માનસ કથાની આજે શનિવારે ભવ્ય પૂર્ણાહુતિ યોજાઈ હતી. પ્રભુ શ્રીરામના રાજ્યાભિષેક સાથે આ ઐતિહાસિક રામકથા ભાવસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી. હજારો ભાવિકોએ કથારસ પાન કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી.

અંતિમ દિવસે કથા બે સત્રમાં યોજાઈ હતી. પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, “રામચરિત માનસ જ્ઞાન અમૃત સમાન છે, પરંતુ જો આપણે આપણા મન અને ચિત્તમાંથી અશુદ્ધિઓ દૂર ન કરીએ તો આ દિવ્ય કથા આપણામાં ઉતરતી નથી.” અનેક પ્રેરક ઉદાહરણો દ્વારા તેમણે સમજાવ્યું કે અંતિમ સમયે જો મનમાં કોઈ વાસના રહી જાય તો તે ફરી જન્મ ધારણ કરવા મજબૂર કરે છે, જ્યારે પ્રભુમાં જ પ્રીતિ હોય તો જીવનનો બેડો પાર થાય છે.

પૂજ્ય મહારાજે કહ્યું કે મનમાંથી રાવણ રૂપી અનિષ્ટ દૂર કરવા રામચરિત માનસ કથા જરૂરી છે. આ કથા આપણાં દસેય ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું માર્ગદર્શન આપે છે. “સત્સંગ વિના કુસંગ દૂર થતો નથી,” એવું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું.અંતિમ કથાના બીજા અને છેલ્લા સત્રમાં પૂજ્ય જનાર્દન હરિજી મહારાજે રામ–રાવણ યુદ્ધની ભાવસભર કથા વર્ણવી અને અનેક પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા શ્રોતાઓને ભાવવિભોર કર્યા. પ્રેમ, કરુણા અને ત્યાગથી ભરેલું પ્રભુ શ્રીરામનું ચરિત્ર વારંવાર સાંભળવું અને ચિંતન કરવું જોઈએ એમ તેમણે જણાવ્યું.પરિવારમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિષ્ઠા અને કર્તવ્યથી નિભાવે છે ત્યારે ઘર અયોધ્યા બને છે અને પ્રભુ શ્રીરામના આશીર્વાદ નજીક આવે છે, એમ પૂજ્ય મહારાજે સમજાવ્યું. ભગવાન રામ દ્વારા પોતાના નાના ભાઈ માટે કાંટા રહિત માર્ગ બનાવવાની સેવા ભાતૃપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે, એવું તેમણે જણાવ્યું.અંતે “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એ શાશ્વત સત્ય અને “પ્રભુ રામનો પ્રેમ એ જ સત્ય છે” એમ સમજાવતા પૂજ્ય મહારાજે કથાનું સમાપન કર્યું. હજારો ભાવિકોની “જય જય શ્રીરામ”ની ગુંજ સાથે આ ભવ્ય રામકથા ભાવભેર પૂર્ણ થઈ હતી.

Back to top button
error: Content is protected !!