GUJARATKUTCHMUNDRA

અનુષ્ઠાન દ્વારા મન, વચન અને કાયાની એકાગ્રતા પ્રાપ્ત થાય છે: મુનિ નયશેખર મહારાજ સાહેબ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અનુષ્ઠાન દ્વારા મન, વચન અને કાયાની એકાગ્રતા પ્રાપ્ત થાય છે: મુનિ નયશેખર મહારાજ સાહેબ

૦૦૦

મગરવાડા તીર્થ ખાતે મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મહારાજની દીક્ષા તિથિની ભવ્ય ઉજવણી: શ્રી માણિભદ્ર વીર દાદાનું પૂજન-હવન યોજાયું

 

મગરવાડા,તા.28: પ્રસિદ્ધ જૈન તીર્થ મગરવાડા ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને કચ્છ કોડાયના જૈન સંત પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબની દીક્ષા તિથિ નિમિત્તે શાસન રક્ષક શ્રી માણિભદ્ર વીર દાદાનું વિશેષ પૂજન-હવન અનુષ્ઠાન અત્યંત ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયું હતું.

આ પ્રસંગે આયોજિત ધર્મસભાને સંબોધતા મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે અનુષ્ઠાનનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે “માનવ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. અનુષ્ઠાન એ માત્ર ક્રિયાકાંડ નથી, પરંતુ નિશ્ચિત નિયમ અને શ્રદ્ધા સાથે આત્મશુદ્ધિનો પવિત્ર માર્ગ છે. તેનાથી મન, વચન અને કાયાની એકાગ્રતા કેળવાય છે અને સાધકના અંતરમાં રહેલા વિકારો દૂર થઈ સદગુણોનો વિકાસ થાય છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે આજના વ્યસ્ત ભૌતિક યુગમાં અનુષ્ઠાન દ્વારા શાંતિ, સંતુલન અને સંયમ પ્રાપ્ત કરી જીવનને સાર્થક બનાવી શકાય છે.

સવારે ૧૦ કલાકે પ્રારંભ થયેલા આ પૂજન-હવનમાં મંત્રોચ્ચાર સાથે ૧૦૮ આહુતિઓ આપવામાં આવી હતી જેમાં શુદ્ધ ઘી અને ચંદનના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિધિ વિધાન પાટણના શ્રી રાજુભાઈ દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગનો લાભ ગુરુભક્ત પરિવારે લીધો હતો.

આ રૂડા પ્રસંગે સદ્દભાવના ગ્રુપના શ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી જીગરભાઈ શાહ, કેતનભાઈ, નિલેશભાઈ, દર્શીલભાઈ, પ્રદીપભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં મગરવાડાના મેનેજર શ્રી શૈલેષભાઈ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દાદાના દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!