
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા (Special Intensive Revision-SIR)ની કામગીરી ખૂબ જ નબળી અને ધીમી હોવાનો ગંભીર આક્ષેપ ડાંગ જિલ્લા કોંગ્રેસના નેતા મનીષ મારકણાએ કર્યો છે.તેમણે આ અંગે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી આયોગના અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જો કામગીરીમાં સુધારો નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે, ડાંગ જેવા અંતરિયાળ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં 4/11/2025 થી SIRની કામગીરી શરૂ થઈ છે. લગભગ બે અઠવાડિયા વીતી ગયા હોવા છતાં, ઘણા બૂથોમાં માત્ર 0.45 ટકાથી લઈને એક, બે અને ત્રણ ટકા જેટલી જ કામગીરી થઈ છે, જે અત્યંત ગંભીર બાબત છે.ધીમી કામગીરી માટે કોંગ્રેસે મુખ્યત્વે કારણો દર્શાવતા જણાવ્યું છે કે,ડાંગના મોટાભાગના ગરીબ આદિવાસી પરિવારો સ્થાનિક રોજગારીના અભાવે સુગર ફેક્ટરી, કચ્છ, જામનગર, રાજકોટની દ્રાક્ષ/દાડમની વાડીઓ અને વાપી જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મજૂરી અર્થે ગયેલા છે. તેમનો સંપર્ક કરવો લગભગ અશક્ય બની ગયો છે. અંતરિયાળ ગામોમાં નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે ઓનલાઈન નામો શોધી શકાતા નથી.સરકાર દ્વારા ઓફલાઈન કામગીરી માટે કોઈ નક્કર આયોજન જણાતું નથી.ડાંગ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી સરહદી ગામોમાં મહારાષ્ટ્રમાંથી આવેલી વહુઓના નામો શોધવા માટે પાડોશી રાજ્યની મતદાર યાદી ઉપલબ્ધ નથી. મોટાભાગના બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા વિરોધાભાસી અભિપ્રાયો આપવામાં આવતા મતદારો અને પ્રજા ગૂંચવણ અને અવઢવ અનુભવી રહ્યા છે.કોંગ્રેસી નેતા મનીષ મારકણા એ ચેતવણી આપી છે કે જો આ જ પરિસ્થિતિ રહી, તો અંદાજે 45 થી 55 ટકા મતદારોના નામ રહી જશે અથવા ડિલીટ થવાની શક્યતા છે.આ પરિસ્થિતિને ટાળવા મનીષ મારકણાએ સૂચનો અને માંગણીઓ કરતાં જણાવ્યું છે કે, માઈગ્રેશન થયેલા મજૂરોને સવેતન પરત બોલાવવાની અથવા તેમના સમૂહના સ્થળે ખાસ મતદાર સઘન સુધારણા કાર્યક્રમ કરવાની વ્યવસ્થા કરવી. તમામ BLO ને સ્પષ્ટ સૂચનો આપી બિનજરૂરી દસ્તાવેજોની માંગણીનો આગ્રહ બંધ કરાવવો. SIRની કામગીરીની સમય મર્યાદામાં વધારો કરવો.ઉપલી કચેરીમાંથી BLOને ખોટા હેરાન ન કરવા, જેથી તેમની કામગીરી પર અસર ન થાય. 2002ની મતદાર યાદીમાં ઓફલાઈન નામ શોધવા માટે એક્સેલ ફોર્મેટમાં યાદીની વ્યવસ્થા કરવી.તેમજ જો કોઈ મતદારનું નામ મતદાન યાદીમાંથી ખોટી રીતે કમી થશે, તો ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરોધ પ્રદર્શન કરશે અને ડાંગ જિલ્લાની જનતાને સાથે રાખીને ચૂંટણી બહિષ્કાર કરશે. આની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..



