
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના પ્રશ્નો પર કોંગ્રેસનો પ્રહાર – “જાહેરાતો ઘણીઃ વિકાસ ક્યાં?” – મામલતદારને આવેદનપત્ર, ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેડૂતો, રસ્તા, આરોગ્ય અને પીવાના પાણી જેવા વર્ષોથી બાકી રહેલા ગંભીર પ્રશ્નોને લઈ આજે મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને જોરદાર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરકાર સામે તીખી નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ મોડાસા તાલુકામાં હકીકતમાં વિકાસના કામો માત્ર કાગળો અને જાહેરાતોમાં જ સીમિત રહ્યા છે. જેના કારણે ખેડૂતો, યુવાનો અને સામાન્ય પ્રજા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે મોડાસા તાલુકાના મોટા ભાગના ખેડૂતો આજે પણ મેશ્વો અને માઝુમ સિંચાઈ યોજનાઓનો પૂરતો લાભ ન મળતા વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સુવિધા સુધી ખેડૂતોને પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. તેથી બંને યોજનાઓ હેઠળ કમાન્ડ એરિયા વધારી તાલુકાના તમામ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી.
રસ્તાઓની બિસ્માર સ્થિતિ મુદ્દે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી. મોડાસા–રાજેન્દ્રનગર રોડની કામગીરી લાંબા સમયથી અધૂરી પડેલી છે, જેના કારણે રોજબરોજ મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે વર્ષો પહેલા જાહેરાત કરાયેલ મોડાસા–ધનસુરા–નડિયાદ ફોરલેન રોડ હજુ સુધી શરૂ ન થતાં કોંગ્રેસે સરકાર પર માત્ર ખાલી જાહેરાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે મોડાસા સિવિલ હોસ્પિટલ હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી નથી, જેના કારણે દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં જવું પડે છે. ઉપરાંત ટીંટોઈ ખાતે મંજૂર થયેલ CHC બિલ્ડિંગનું કામ હજુ સુધી શરૂ ન થવું તંત્રની બેદરકારી દર્શાવે છે.
કોંગ્રેસે જણાવ્યું કે વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ મોડાસા તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણી માટે લોકો તકલીફ ભોગવી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. ઉપરાંત તાલુકામાં મંજૂર થયેલા અનેક વિકાસકાર્યો વર્ષો બાદ પણ અધૂરા પડ્યા છે.તે ઉપરાંત કોંગ્રેસે તાજેતરમાં થયેલા ઘરેલુ ગેસમાં ₹૬૦ અને કોમર્શિયલ ગેસમાં ₹૧૧૦ના તોતિંગ ભાવવધારાને લઈ પણ સરકાર પર પ્રહાર કર્યો અને આ ભાવવધારો તરત પાછો ખેંચવાની માંગ કરી.અંતમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી કે જો મોડાસા તાલુકાના આ તમામ પ્રશ્નો અંગે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રજાના હક્ક માટે ઉગ્ર લોકશાહી આંદોલન શરૂ કરશે. પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં જો સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ રહેશે તો તેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, વદનસિંહ મકવાણા, જયંતીસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા





