
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અનેક ફીનાં નામ પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોય તેવા આક્ષેપ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરી પ્રમુખ સ્નેહલ ઠાકરેએ આવેદનપત્ર પાઠવ્યુ છે.ડાંગ જિલ્લો લગભગ ૯૮% આદિવાસી વસ્તી ધરાવતો પછાત પ્રદેશ છે.તેમજ અહીં રહેતી અન્ય વસ્તી પણ આર્થિક રીતે ઘણી પછાત છે.અને હાલના સમયનો માહોલ જાતા તમામ વર્ગના લોકો મોંઘવાારીથી ત્રસ્ત છે. તેવામાં ખાનગી શાળાઓમાં વાલીઓના ખિસ્સા ખાલી કરવાનો નવો કિમીયો ચાલુ કરી દીધેલ હોય તેવું જણાવવામાં આવ્યુ છે. સ્નેહલ ઠાકરેને મળેલ માહીતી મુજબ ઘણા વાલીઓ ખાનગી શાળાઓમાં થતી મનસ્વી ઉઘરાણીથી ખુબ જ પરેશાન છે.જિલ્લામાં આવેલ ખાનગી શાળાઓ વાલીઓને સ્કુલ ફી, ટર્મ ફીના નામે તેમજ ફરજીયાત પાઠય પુસ્તકો નોટબુકો પણ શાળાએથી ખરીદવા કે પછી તેમના નકકી કરેલા અમુક ચોકકસ વ્યકિત પાસે જ ખરીદી કરવા મજબુર કરે છે.તેમજ શાળાના યુનિફોર્મ, બુટ, ટાઈ, મોજા જેવી વસ્તુઓ પણ શાળાઓ દ્વારા અથવા શાળા સંચાલકો દ્વારા નકકી કરાયેલ જગ્યાએ જ લેવા પડે છે.જેથી શાળા સંચાલકો અને જે તે ચોકકસ વ્યક્તિઓ પોતાની મનમાની મુજબ બજાર ભાવ કરતા વધારે પૈસા લે છે.ઘણી શાળાઓમાં બાળકોના શિષ્યવૃત્તિના ફોર્મ પણ ભરાવવામાં નથી આવતા.આ બાબતે ગંભીરતા દાખવી આવનારા શૈક્ષણિક સત્ર પહેલા તમામ ખાનગી શાળાઓ દ્વારા ચાલતી આ ઉઘાડી લૂંટ બંધ કરાવવામાં આવે અને સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે એ જિલ્લા શિક્ષણ અધિકારી તથા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ છે…



