
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો તથા જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા.
ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચે તે પહેલાં જ નગરમાં ઢોલ-નગારા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો જુસ્સો જોવા મળ્યો હતો. રેલી દરમિયાન કોંગ્રેસના નારા ગુંજી ઉઠ્યા હતા અને પક્ષની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો ગૌતમભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવિત અને જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વઘઈ તાલુકાની તમામ બેઠકો પર મજબૂત રીતે ચૂંટણી લડી રહી છે અને પ્રજાના સહકારથી નિશ્ચિત વિજય મેળવશે.
વિશેષ કરીને માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતની ઘરવાપસી બાદ કોંગ્રેસમાં નવી ઉર્જા પ્રવેશી છે, જેનું સ્પષ્ટ પ્રતિબિંબ આજે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ અને સમર્થકોમાં ભારે ઉમંગ નજરે પડ્યો હતો.






