અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં પોલીસનું વિશાળ કોમ્બિંગ ઓપરેશન: ધર્મસ્થાનો સહિત શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ
મોડાસામાં તાજેતરમાં આતંકી યુવકની ધરપકડ બાદ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી અરવલ્લી પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ ઓપરેશનમાં જિલ્લા એલસીબી, એસઓજી, તેમજ ૧૦ પીઆઈ અને ૧૦ પીએસઆઈની ટીમો સહીત મોટા પ્રમાણમાં ૧૫૦થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી હતી. શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી.
પોલીસે ધર્મસ્થાનો, હોટેલો, મસ્જિદો, અને મદરેસાઓમાં સઘન તપાસ કરી હતી. ખાસ કરીને હુસેની મસ્જિદ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં મુલાકાત લેવામાં આવી હતી અને સ્થળ પર તટસ્થ તપાસ કરાઈ હતી.વિશેષ વાત એ છે કે, કોમ્બિંગ દરમિયાન લઘુમતી સમાજના આગેવાનોને પણ સાથે રાખી, સમગ્ર કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂરી પાડવામાં આવી.અરવલ્લી પોલીસે યુવાનોને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિથી દૂર રહેવાની અપીલ કરી છે અને સમાજમાં શાંતિ જળવાય તે માટે સહકાર આપવાની વિનંતી કરી છે.પોલીસએ લોકોને અપીલ કરી છે કે, “કોઈપણ શંકાસ્પદ હિલચાલ અથવા વ્યક્તિની જાણ થાય તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઇન પર જાણ કરો.”