દરિયામાં કન્ટેનર તણાયું:હાંસોટના કતપોર ગામ નજીક બાળકોના બુટ-ચપ્પલ ભરેલું કન્ટેનર મળ્યું, પોલીસ-કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી ગઈ હતી. આ ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે. ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલું મોટું કન્ટેનર નજરે પડતાં ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું.
આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારોએ કન્ટેનરને બાંધવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં જ દહેજ મરીન પોલીસ અને હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસે તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ-ચપ્પલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરી છે. હવે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક અનુમાન મુજબ, દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શિપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવી શક્યતા છે. આ કન્ટેનર કોનું છે અને કઈ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.



