કપાસની વેરામુક્ત આયાતથી ખેડૂતો પર સંકટ, AAPનો સરકાર વિરુદ્ધ આક્રમક અવાજ – 7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાસંમેલન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : આમ આદમી પાર્ટી ગુજરાત એકમના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી તથા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત સરકારે કપાસની આયાત વેરામુક્ત કરવાનો લીધો તે નિર્ણય ખેડૂતોના હિતમાં નથી એવો આક્ષેપ કર્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે હાલ દેશમાં ખેડૂતોની સૌથી ખરાબ પરિસ્થિતિ છે, રોજગારી તૂટતા અનેક લોકો ખેતી તરફ વળ્યા છે. એવામાં સરકાર દ્વારા કપાસની આયાત વેરામુક્ત કરવાના નિર્ણયથી ગુજરાત સહિત દેશના કરોડો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા છે.
સાગર રબારીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશો, ખાસ કરીને ચીન, પોતાનું કપાસ ભારત મોકલી રહ્યા છે. ચીન સાથેનો વેપાર પહેલેથી ખોટમાં ચાલી રહ્યો છે અને હવે ચીન ભારતના ખેડૂતોને પોતાના અજગર ભરડામાં લેવાના પ્રયત્ન કરી રહ્યું છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી ચૂપ બેસી શકે નહીં.
ગુજરાતમાં આ વર્ષે 20,68,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. વેરામુક્ત આયાતની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રબારીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ પરિસ્થિતિમાં ભારતીય ખેડૂતોનો કપાસ કોઈ ખરીદશે કે કેમ તે શંકાસ્પદ છે. સરકાર દ્વારા આયાત પર જે એક ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેરો વસૂલાયો હતો, તેનો ઉપયોગ ક્યાં થયો તે અંગે ખેડૂતોને કોઈ માહિતી આપવામાં આવી નથી.
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશાં ખેડૂત વિરોધી નિર્ણયો લેતી આવી છે. વિદેશ નીતિમાં સરકારની નિષ્ફળતાનો સીધો ભોગ ખેડૂતોને ભોગવવો પડે છે. વિકસિત દેશોના દબાણમાં આવીને અને અમુક વેપારીઓને ફાયદો થાય તે માટે સરકારે આ નીતિ અપનાવી છે.
પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ વધુમાં કહ્યું કે 2024ની અતિવૃષ્ટિ પછી સરકારે 1400 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ આજ સુધી કોઈ ખેડૂતને તેનો લાભ મળ્યો નથી. ફોર્મ ભરાવડાયા, સર્વે થયા, જાહેરાતો થઈ પરંતુ બાદમાં પેકેજ રદ કરી દેવામાં આવ્યું. ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને 7 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વિશાળ ખેડૂત મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલન છેલ્લા 35 વર્ષમાં સૌથી વિશાળ કક્ષાનું ગણાશે. સંમેલનમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
રાજુ કરપડાએ જણાવ્યું હતું કે આ મહાસંમેલનમાં મુખ્ય માંગણી ખેડૂતોને કપાસમાં પ્રતિમણ 2100 રૂપિયાનો ભાવ મળે તેવી રહેશે. જો સરકાર ખેડૂતોની માંગણીઓને અવગણશે તો દરેક જિલ્લામાં ખેડૂત મહાસંમેલનો યોજાશે અને અંતે જરૂર પડશે તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે લઈને ગાંધીનગર તરફ મોરચો કાઢવામાં આવશે.
આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના પ્રશ્નો, દેવા માફી અને ખેતીને ટકાવી રાખવા માટે લાંબા ગાળાની નીતિ ઘડવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેથી હવે આરપારની લડાઈ લડવી ફરજિયાત બની છે.



