AHAVADANGGUJARAT

પાણીનો પોકાર; સુબીર તાલુકામાં પાણી પુરવઠાના કામદારોને પગાર ન મળતા હડતાળ પર અને રહીશોને પીવાના પાણી માટે વલખા…..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે.સુબીર તાલુકાના કાંગર્યામાળ (બરડા ફળિયું, ભેદ ફળિયું) અને જારસોલ ગામમાં પીવાના પાણીનો સપ્લાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે આજે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) એટલે કે SUCI (C) ની ડાંગ જિલ્લા સાંગઠનિક કમિટી દ્વારા મામલતદાર સુબીરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જારસોલ પાણી પુરવઠા યોજના અંતર્ગત આ ગામોમાં પાણી પહોંચાડવામાં આવતુ હતુ.પરંતુ આ યોજનામાં કાર્યરત કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી માસિક પગાર ભથ્થુ ચૂકવવામાં આવ્યુ નથી.વ્યાજબી વેતનની માંગ સાથે આ કર્મચારીઓ છેલ્લા ૪ થી ૫ દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે.જેના કારણે પાણી પુરવઠો ખોરવાયો છે.પાણી વગર માત્ર મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પશુઓની હાલત પણ દયનીય બની છે. ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણીની આટલી મોટી અછત સર્જાતા ગ્રામજનોમાં ભારે હાલાકી પડી રહી છે. જારસોલ અને કાંગર્યામાળના વિવિધ ફળિયાઓમાં પીવાના પાણીની તીવ્ર તંગી વરતાઈ રહી છે.હાલમાં SUCI (C) ના અગ્રણીઓ રઘુનાથ બાગુલ, રામદાસ પવાર અને શિવદાસ પવાર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પાણી પુરવઠાના હંગામી કર્મચારીઓના પગારમાં વધારો કરી તેમના આંદોલનનો સુખદ અંત લાવવામાં આવે, કર્મચારીઓને છેલ્લા બે મહિનાનો બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે,ગામલોકોને પીવાનું પાણી વહેલી તકે મળે તેવી વૈકલ્પિક વ્યવસ્થા અથવા હડતાળ સમેટીને સપ્લાય શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ પાણી પુરવઠા કામદારોની હડતાળ અને તેમની વ્યાજબી માંગણીઓને સંપૂર્ણ સમર્થન આપે છે.SUCI (C) દ્વારા મામલતદારને વિનંતી કરવામાં આવી છે કે આ પ્રશ્ન માત્ર વહીવટી નથી પણ માનવીય છે. જો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાની શક્યતા જણાવી છે.હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ બાબતે કેટલી ઝડપથી પગલા લેવામાં આવે છે..

Back to top button
error: Content is protected !!