Rajkot: સરકારી પોલીટેકનીક રાજકોટ ખાતે સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
તા.૧૨/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઇ ચિંતન, મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે સરકારી પોલીટેકનીક રાજકોટ ખાતે સંસ્થાના ઈલેક્ટ્રીકલ વિભાગનાં સેમીનાર હોલ ખાતે એનએસએસ યુનિટ દ્વારા કોલેજ કક્ષાની ‘સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા’ યોજાઈ હતી.
આ સ્પર્ધામાં અલગ અલગ વિભાગનાં ૩૯ વિદ્યાર્થીઓએ પાંચ વિષયોમાં મૌલિક અને ધારદાર શૈલીમાં પોતાની વકતૃત્વ કળા રજુ કરી હતી. જેમાંથી સિવિલ વિભાગના છટ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થી જય વાસાણી વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થી ઝોન કક્ષાએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે તા.૧૭ માર્ચનાં રોજ યોજાનાર સ્પર્ધામા ભાગ લેશે.
સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે એપ્લાઇડ મીકેનીક્સ ખાતાનાં પ્રાધ્યાપકશ્રી જે.બી.ઓઝા તથા અંગ્રેજી વિભાગના અધ્યાપક ડૉ. પ્રીતીબેન નાયકે સેવા પ્રદાન કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ.નાં કો-ઓર્ડીનેટર ડૉ. રવિરાજ રાવલે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ. કમિટીનાં તમામ સભ્યો, ખ્યાતી રાવત તથા કાજલ સરેરીયા સહિતે સહકાર આપ્યો હતો.