ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનો આરોપ: CYSS દ્વારા કુલપતિને આવેદનપત્ર, રજીસ્ટ્રારને હટાવવાની માંગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: આમ આદમી પાર્ટીના છાત્રવિંગ CYSS દ્વારા આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એનિમેશન કોર્સમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું અને પ્રદર્શન યોજાયું. CYSS દ્વારા આરોપ મૂકાયો છે કે યુનિવર્સિટીએ માત્ર એક લાખ રૂપિયાની મૂડી ધરાવતી નકલી કંપની સાથે MOU કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમનું કહેવું છે કે 100% ભ્રષ્ટાચાર પુરવાર થઈ ગયો હોવા છતાં, સંડોવાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
CYSS કાર્યકર્તાઓએ ખાસ કરીને રજીસ્ટ્રાર પિયુષ પટેલ પર આક્ષેપ કરતાં તાત્કાલિક તેમના રાજીનામાની માંગણી કરી છે. CYSS પ્રમુખ યાત્રિક પટેલ, યુવા પ્રમુખ કુલદીપ ભટ્ટ, મહામંત્રી તીર્થ શ્રીમાળી, ઉપપ્રમુખ પૃથ્વીરાજ રાઠોડ, મહામંત્રી જતિન પટેલ, અને મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસાર સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી.
CYSSનું નિવેદન છે કે જો રજીસ્ટ્રાર પિયુષ પટેલને તાત્કાલિક પદથી દૂર કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે, તો CYSS ગાંધીજીના આદર્શો પર ચાલીને આંદોલન કરશે.




