
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ડાંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો:-ગલકુંડમાં પિતાનો વિજય, સુબીર તાલુકા પંચાયતનાં પ્રમુખનો સરપંચ તરીકે વિજય,જયારે માનમોડી ગ્રામ પંચાયતમાં કાકાનો જંગી બહુમતીથી વિજય..*
ડાંગ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી છે.ખાસ કરીને આહવા તાલુકાની ગલકુંડ અને સુબિર તાલુકાની સાવરદા તથા વઘઇ તાલુકાની માનમોડી ગ્રામ પંચાયતનાં પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયત આ વખતે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.અહીં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્રની ચૂંટણી લડાઈમાં સુરેશભાઈ વાઘ (પિતા) અને રાજેશભાઈ સુરેશ વાઘ (પુત્ર), સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. આ અનોખા મુકાબલાને કારણે ગલકુંડ ગ્રામ પંચાયત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી.બંને પિતા-પુત્ર એકબીજાને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા.જોકે, આ ચૂંટણીમાં “બાપ તો બાપ હોતા હૈ”ની ઉક્તિ સાર્થક થઈ હોય તેમ જણાય છે. સુરેશભાઈ વાઘે પોતાના પુત્ર રાજેશને 500 કરતા પણ વધુ મતોનાં જંગી માર્જિનથી હરાવી સરપંચ તરીકે ભવ્ય વિજય મેળવ્યો છે.આ પરિણામ ગલકુંડમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે.બીજી એક નોંધનીય ઘટના સુબીર તાલુકામાં બની છે. સુબીર તાલુકા પંચાયતનાં વર્તમાન પ્રમુખ રવિનાબેન ગાવિતે સાવરદા ગામથી સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે જાહેર થયેલા પરિણામો મુજબ, તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે,જે તેમના માટે એક મોટી રાજકીય સિદ્ધિ ગણી શકાય.જોકે, આ વિજય સાથે એક કાયદાકીય મુદ્દો પણ જોડાયેલો છે. રવિનાબેન ગાવિત જો સરપંચ તરીકે ચૂંટાયા છે, તો તેમને કાયદાકીય રીતે પોતાનો એક હોદ્દો છોડવો પડશે. આ સૂચવે છે કે સરપંચનું પદ તાલુકા પ્રમુખનાં પદ કરતા વધુ વર્ચસ્વ ધરાવતું હોઈ શકે છે,અથવા તો સ્થાનિક સ્તરે સીધો જનાધાર મેળવવાનો આ તેમનો રાજકીય હેતુ હોઈ શકે છે.તેમનો આ ઉતરતા ક્રમનો નિર્ણય ડાંગ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તેઓ કયો હોદ્દો જાળવી રાખશે અને કયો છોડશે.આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પરિણામો ડાંગ જિલ્લાના ગ્રામીણ રાજકારણમાં નવા સમીકરણો રચાયા હોવાનું સૂચવે છે.તેમજ આ ચૂંટણીમાં ડાંગ જિલ્લાની વઘઈ તાલુકાની માનમોડી ગ્રામ પંચાયત પણ સગા સંબંધોનાં જંગને કારણે ખાસ ધ્યાન ખેંચી રહી હતી.અને સૌની નજર આ ગ્રામ પંચાયત પર હતી.અહીં સરપંચ પદ માટે સગા કાકા નગીનભાઈ ગાવીત અને ભત્રીજા મહેન્દ્રભાઈ કાળુભાઈ ગાવીત વચ્ચે સરપંચ પદ માટે રસપ્રદ જંગ જામ્યો હતો.રસપ્રદ વાત એ છે કે, અગાઉ પણ આ જ કાકા-ભત્રીજા વચ્ચે ચૂંટણી થઈ હતી,જેમાં ભત્રીજા મહેન્દ્ર ગાવીતનો માત્ર એક મતે વિજય થયો હતો.ત્યારે આ વખતે માનમોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાકા ભત્રીજામાંથી કાકા નગીનભાઈ ગાવીતે જંગી મતોથી બાજી મારી છે.માનમોડી ગ્રામ પંચાયતમાં કાકા નગીનભાઈ ગાવીતે ભત્રીજા મહેન્દ્રભાઈ ગાવીતની પેનલનાં સુપડા સાફ કરી દીધા છે.માનમોડી ગ્રામ પંચાયતમાં કાકા નગીનભાઈ ગાવીતે 300 થી વધુ મતોની લીડ સાથે જીત મેળવતા સમર્થકોએ ફટાકડા ફોડી જીતનાં વધામણા કર્યા હતા…





