AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

CRPF શૌર્ય દિવસ: કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર થયેલી ઐતિહાસિક લડતના વીર શહીદોને શ્રદ્ધાંજલિ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

૯ એપ્રિલ, ૧૯૬૫ — એક ઐતિહાસિક દિવસ. ગુજરાતના કચ્છના રણમાં સ્થિત સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના માત્ર ૧૫૦ જવાનોની એક નાની ટુકડીએ પાકિસ્તાનની ફુલ ફ્લેજ ઇન્ફન્ટ્રી બ્રિગેડ સામે જે વીરતાનું પરચું લહેરાવ્યું, તે આજે પણ ભારતના સેનાકીય ઇતિહાસમાં ગૌરવપૂર્ણ પાનાં તરીકે યાદ કરવામાં આવે છે.

દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં CRPF શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભારતીય સુરક્ષા દળોના શૌર્ય, બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે. આ દિવસ ૧૯૬૫ની તે વીરગાથાની યાદ અપાવે છે જ્યારે ભારતના CRPFના જવાનોએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.

૧૯૬૫માં પાકિસ્તાન તરફથી શરૂ કરાયેલ ‘ઓપરેશન ડેઝર્ટ હોક’ હેઠળ સરદાર પોસ્ટ પર ૩૦૦૦ જેટલાં પાકિસ્તાની સૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં CRPFની બીજી બટાલિયનની ‘ડી’ કંપનીના માત્ર ૧૫૦ જવાનોએ મોરચો સંભાળ્યો હતો. ગાઢ રાત્રીના ૩:૩૦ વાગ્યે શરૂ થયેલી આ ભીષણ લડાઈ લગભગ ૧૨ કલાક સુધી ચાલી હતી.

અવિરત હુમલાઓ વચ્ચે પણ ભારતીય જવાનોએ અદમ્ય સાહસ અને બલિદાનની ભાવના સાથે દુશ્મનને મક્કમ ટક્કર આપી. પરિણામે, પાકિસ્તાનના ૩૪ સૈનિકો ઠાર મારાયા અને ૪ સૈનિકોને જીવતા પકડવામાં આવ્યા. આ યુદ્ધમાં CRPFના ૭ જવાન શહીદ થયા અને અનેક જવાનો ઘાયલ થયા હતા.

આજે પણ સરદાર પોસ્ટની એ લડત એક વિશિષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે સંખ્યાબળે ઓછી હોય છતાં જો હિંમત, રણનીતિ અને રાષ્ટ્રપ્રેમ હૃદયમાં હોય તો કેવી રીતે દરેક પડકારનો સામનો કરી શકાય છે.

CRPF શૌર્ય દિવસના અવસરે, ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે વિશિષ્ટ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CRPFના ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરક્ષા દળોના પ્રતિનિધિઓ દ્વારા સરદાર પોસ્ટની મુલાકાત લેવામાં આવશે. તેઓ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરશે અને તેમના બલિદાનને નમન કરશે.

આ પ્રસંગે, CRPFના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટુકડી — જેમાં ડીજી (પ્રશિક્ષણ), ડીડીજી દક્ષિણી અંચલ, મહાનિરીક્ષક પશ્ચિમી સેક્ટર અને ગાંધીનગરના ડીઆઈજી — તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે.

CRPF શૌર્ય દિવસ માત્ર એક ઐતિહાસિક દિવસની યાદગાર ઉજવણી નથી, પણ તે દરેક ભારતીય માટે રાષ્ટ્રપ્રેમ અને ફરજ પર અડગ રહેનારી ભાવનાને પુનર્જીવિત કરવાનો અવસર છે.

Back to top button
error: Content is protected !!