AHAVADANG

અહો આશ્ચર્યમ :- ડાંગ જિલ્લાના દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ લેપટોપ દ્વારા બોર્ડની પરીક્ષા આપી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫ દરમિયાન લેવામાં આવી રહેલ  ધો.-૧૦ અને ધો.-૧૨ વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં માનવ કલ્યાણ ટ્રસ્ટ, નવસારી દ્વારા સંચાલિત અંધજન શાળા શિવારીમાળ ખાતેની શાળામાં અભ્યાસ કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓએ લેપટોપ દ્વારા પરીક્ષા આપી રહ્યાં છે.

જેમાં અંધજન શાળાના બે વિદ્યાર્થીઓ પટેલ કમલેશ વિનોદ ધોરણ ૧૦ અને પટેલ જિયા બિપિન ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા આપી રહ્યા છે. તેમના પ્રશ્નપત્રો વાંચવા માટે એક સ્તર નીચે અભ્યાસ કરતા વાચકની નિમણૂક કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, શિવારીમાળ ખાતે આવેલ આ શાળામાં ૭૭ દ્રષ્ટિહીન અને ૮૭ શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળા સંપૂર્ણપણે ડિજિટલ છે. પ્રાથમિક ધોરણથી જ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ આપવામાં આવે છે. આ એક એવું જીવન કૌશલ્ય છે જે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે,  જે તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગારમાં ઉપયોગી થશે.

દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ બ્રેઇલ લિપિનો ઉપયોગ કરે છે, જે દરેક જણ વાંચી શકતા નથી. આ ઉણપને દૂર કરવા માટે તેમને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવી રહ્યું છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ સ્ક્રીન રીડિંગ સોફ્ટવેર વડે સ્ક્રીન પર લખેલી સામગ્રી વાંચી શકે છે. આ રીતે તેઓ તેમના પુસ્તકો વાંચે છે. કમ્પ્યુટરની તાલીમ લેતા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર તેમના દૈનિક પાઠ કરવાનું શરૂ કરે છે, અને ધીમે ધીમે જ્યારે તેઓ ધોરણ ૭ કે ૮ માં પહોંચે છે, ત્યારે તેઓ કમ્પ્યુટર પર પોતાની પરીક્ષા લખી શકે છે. શાળા કક્ષાની પરીક્ષાઓમાં, પ્રશ્નપત્રો તેમના કમ્પ્યુટર પર સુગમ્ય કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ જાતે જ જવાબો ટાઈપ કરે છે, જેથી તેમને પ્રશ્નપત્ર વાંચવા માટે સહાયકની જરૂર ન પડે.

અંધજન શાળાના  બે વિદ્યાર્થીઓ લેપટોપનો ઉપયોગ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!