
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજનાં મોબાઈલ અને ઈન્ટરનેટનાં જમાનામાં સાયબર ફ્રોડનાં કિસ્સાઓ વધી રહ્યા છે.જેમાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પણ બાકી રહ્યો નથી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અનેક લોકો પ્રલોભનમાં આવી સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ડાંગ-જિલ્લાનાં ગામડાઓમાં ઓનલાઇન ફ્રોડનાં કેટલાક કિસ્સાઓ ધ્યાને આવી રહ્યા છે.ખાસ કરીને ડાંગ જિલ્લામાં નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતા લોકો આવી છેતરપીંડીનો ભોગ ન બને અને સતર્ક રહે, તે માટે ડાંગ જિલ્લાનાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારાનાં નાયબ મામલતદાર પ્રવિણસિંહ પરમાર દ્વારા નોટીફાઇડ એરિયા કચેરી ખાતે ઓનલાઇન ફ્રોડ સામે જાગૃતતા લાવવા એક કાર્યક્રમનું આયોજન કરેલ હતુ.જેમાં ગિરિમથક સાપુતારાનાં સફાઇ કામદારો, સિક્યુરીટીગાર્ડ, ઢોર હાંકવાવાળા અને સાપુતારા આસપાસના ગામના લોકો મળી અંદાજે કુલ-250 જેટલા લોકોને ઓનલાઇન ફ્રોડના વિવિધ પ્રકારો જેવા કે જોબ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફિશિંગ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, ટેક સપોર્ટ સ્કેમ, લોટરી કે ગિફ્ટ સ્કેમ, રોમેન્સ સ્કેમ, આઇડેન્ટિટી થેફ્ટ, વર્ક ફોર્મ હોમ સ્કેમ, ફ્રી રિચાર્જ સ્કેમ વિગેરે જેવા ઓનલાઇન ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે નાયબ મામલતદાર પ્રવિણસિંહ પરમાર દ્વારા વિગતવાર માહિતી હાજર તમામને પુરી પાડી હતી.અને સાથે સાથે આવી છેતરપિંડીથી કેમ બચીને રહેવું અને તેનો ભોગ બનતા કેમ અટકવુ તે માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી, તે બાબતે જરૂરી વિગતવાર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.ગિરિમથક સાપુતારાનાં નોટિફાઇડ એરીયા કચેરી હસ્તક કામ કરતા વિવિધ વિભાગોનાં કામદારોને સાયબર ફ્રોડથી સચેત રહી કોઈ પણ લોભામણી સ્કીમ કે અજાણ્યા ફોન કોલ્સથી ભરમાવવું નહી અને સાવધાન રહેવા અનુરોધ કરાયો હતો.સાથે કોઈપણ અજાણ્યો નંબર પરથી ફોન આવે તો પોલીસ હેલ્પલાઇન નંબર અથવા નજીકનાં પોલીસ મથકે જાણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરી ખાતે યોજાયેલ સાયબર ફ્રોડ કાર્યક્રમમાં નોટિફાઇડ એરીયા કચેરીનો સ્ટાફ તેમજ કામદારો ઉપસ્થિત રહ્યા હતા..




