દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હજયાત્રીઓ માટે ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો

તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી 
Dahod:ઈબાદતની સફર પહેલા સુરક્ષાનું કવચ:દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં હજયાત્રીઓ માટે ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો
હજ પઢવી એ દરેક મુસ્લિમ બિરાદરનું એક સપનું હોય છે. વર્ષ 2026ની આ પવિત્ર યાત્રા નિર્વિઘ્ન અને સ્વાસ્થ્યપ્રદ રીતે પૂર્ણ થાય તે માટે દાહોદ વહીવટી તંત્ર અને સમાજના ખિદમતદારો સજ્જ બન્યા છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે આજે હજયાત્રીઓ માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ અને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.દાહોદ જિલ્લામાંથી આ વર્ષે પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રાએ જનારા હાજીઓ માટે આજે ખુશી અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર્સ અને મુસ્લિમ સમાજના ઉત્સાહી ખિદમતદારોના સંયુક્ત પ્રયાસોથી ઝાયડસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પ સંપન્ન થયો. સાઉદી અરેબિયામાં એક મહિનાથી વધુ સમયની આ યાત્રા દરમિયાન હાજીઓ બીમારીઓથી બચી શકે અને તેમની સેહત જળવાઈ રહે તે માટે તબીબો દ્વારા જરૂરી રસી આપવામાં આવી હતી.રસીકરણ પૂર્વે હજ કમિટીના ટ્રેનર્સ દ્વારા હાજીઓને યાત્રા દરમિયાન રાખવાની તકેદારીઓ અને સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈન્સ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ આત્મીયતાપૂર્વક તમામ હાજીઓનું ચેકઅપ કરી વેક્સિન આપવામાં આવી હતી.આ કેમ્પમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ ઉમટી પડ્યા હતા. સુંદર વ્યવસ્થા અને નિઃશુલ્ક સેવાથી પ્રભાવિત થઈને હાજીઓએ ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ અને હજ કમિટીના ફિલ્ડ ટ્રેનરોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.”અલ્લાહની ઈબાદતમાં કોઈ અડચણ ન આવે તે માટે આ વેક્સિન લેવી અનિવાર્ય છે, અને દાહોદમાં મળેલી આ સુવિધા ખરેખર પ્રશંસનીય છે.આમ, ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પ દ્વારા દાહોદના હજયાત્રીઓને સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે




