
આપણું રસોડું આપણી જવાબદારી થીમ ઉપર રાજપીપલા ડી. એલ. એડ. કોલેજમાં રસોઈ સ્પર્ધા યોજાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ દ્વારા “આપણી રસોઈ – આપણી જવાબદારી” થીમ ઉપર સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે રસોઈ સ્પર્ધા યોજાઇ ગઈ. આ સ્પર્ધાના આયોજનનો ઉદ્દેશ આનંદ લેતા લેતા રસોઈ કરવી અને એલ પી જી સિલિન્ડર સાથેની સુરક્ષાની જાણકારી વધારવાનો હતો. સૌ પ્રથમ કંપનીના કરતારસિંગ સાહેબે ગેસના વપરાશ વખતે રાખવાની સાવચેતીની વિસ્તૃત સમજણ આપી હતી. આ સ્પર્ધામાં અઢાર જેટલી બહેનોએ ભાગ લઈ પોતાની રસોઈ કળાનું પ્રદર્શન કરેલ. સ્પર્ધામાં બહેનો એ બાજરીના પૂડા, રીંગણના રવૈયા, થૂલી, સોયાબીન વડી, પાતરા જેવી વાનગીઓ બનાવી હતી. જેમાં પ્રથમ નંબરે વસાવા પ્રતિક્ષાકુમારી બીજા નંબરે વસાવા ભૂમિકાબેન અને ત્રીજા નંબરે તડવી સોનલબેન આવેલ હતા, જેમને દારાશા ગેસ એજન્સીના યઝદી ઈવાલીયાએ ઈનામ આપી સન્માનિત કર્યા હતા. નિર્ણાયક તરીકે સંધ્યાબેન વસાવા, સીમાબેન રાઉલજી અને ઉન્નતિબેન પટેલે સેવા આપેલ. બનાવેલી રસોઈ ડિશની ઉપયોગિતા, ગુણવત્તા અને સ્વાદ સહિતના અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી નિર્ણય કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા નિર્મળાબેન વસાવા, મનીષાબેન ગૂર્જરે અને ભાવનાબેન ભગતે જહેમત ઉપાડેલ.



