દાહોદ:-દાહોદ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બાબતે જિલ્લા વાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી આ વર્ષાઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.