શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ પાલનપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો

27 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ આપણી સૌની જવાબદારી:- કલેકટરશ્રી મિહિર પટેલન વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ પાલનપુરની શ્રી એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા તથા સ્વસ્તિક પ્રાથમિક શાળા ખાતેથી નાના ભૂલકાંઓને આવકારીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વનું કાર્ય છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ આપણી સૌની જવાબદારી છે. શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભવિષ્યના શિક્ષિત ગુજરાતના ઘડતરનો પ્રારંભ છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપી એક સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. તેમણે નવા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ ૧ અને ૯માં કુલ મળીને ૧.૬૫ લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ૧૪ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે.








