INTERNATIONAL

અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી, 31000 લોકોનું સ્થળાંતર

અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી છે. જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થાનોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અમેરિકા માટે આ મોટી ચિંતાનો વિષય છે કેમ કે તાજેતરમાં જ લોસ એન્જલસમાં જ બે વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની હતી જે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહી હતી.

તાજેતરની આગ લોસ એન્જલસમાં કાસ્ટેઇક સરોવરની નજીક આવેલા જંગલોમાં લાગી છે. આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ લોસ એન્જેલસમાં આવેલ છે. આગની લપેટમાં અત્યાર સુધી 8000 એકર વિસ્તાર આવી ગયો છે. સરોવરની નજીક રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ કરી દેવાયા છે. અત્યાર સુધી 31000થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

હાલમાં લોસ એન્જલસમાં ઝડપી અને શુષ્ક પવનો ચિંતા વધારી રહ્યા છે. આગ પણ આ કારણે જ ભડકી રહી છે. તેના લીકે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. એવી પણ આશંકા છે કે આગ વધુ ભડકી શકે છે અને મોટા વિસ્તારને લપેટમાં લઈ શકે છે.

આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું કે, ‘હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું કે અમારું ઘર બળી ન જાય.’ લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ રોબર્ટ જેન્સને બધાને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. આ પહેલા પણ લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગને કારણે હજારો ઘરો નાશ પામ્યા હતા. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી જ્યારે 27 થી વધુ લોકોના મોત થયા હતા.

Back to top button
error: Content is protected !!