દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ નો શુભારંભ થયો

તા.૧૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દિવ્યાંગો પણ પોતાની આંતરિક શક્તિઓ વડે દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે-ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી
દાહોદ સીટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તેમજ બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ, દાહોદ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, દાહોદના સંયુકતક્રમે આયોજિત તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ ૩. ૦ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવાની તેમજ ખેલાડીઓનું મનોબળ વધારવાની જરૂર છે. દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. દાહોદ જિલ્લાના ખેલાડીઓ પણ નેશનલ લેવલે જઈ સારામાં સારું પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરી શકે છે. આજે દાહોદ દિવ્યાંગો પણ પોતાની આંતરિક શક્તિઓ વડે દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામની પિંકલ કે જે ઇટાલી ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવાની છે તેનું શાલ અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩. ૦ માં અસ્થિ વિષયક ખામી ધરાવતા, પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ઇન્ડોર તેમજ આઉટ ડોર રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાનો આ સ્પેશ્યલ ખેલ મહાકુંભ તારીખ ૧૪ થી ૧૬ એમ ત્રણ દિવસ સુધી ચાલશે. દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૫ અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઈ રમતોમાં તેમની કુશળતાનું કૌવત દેખાડ્યું હતું.
આ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી.રાઠોડ, જિલ્લા રમત – ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટા, જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી બ્લાઈન્ડ વેલફેર સંસ્થાના પ્રમુખ યુસુફ કાપડિયા, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના ડૉ. નાગર, સંસ્થાના ટ્રસ્ટી સહિત અન્ય અધિકારીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.








