
તા.૧૩.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી ટ્રાવેરા અચાનક ગટરમાં ખાબકી JCB ના મદદથી ગાડી બહાર કાઢવામાં આવી 
ડ્રાઇવર સારવાર માટે હોસ્પિટલમાં ગયો ત્યારે બની ઘટના, સદનસીબે કોઈ જાનહાનિ નહીં જેસીબીની મદદથી ગાડી બહાર કાઢવામાં આવી, વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું ઝાલોદ શહેરના વિશ્વકર્મા મંદિર સામે આવેલી આદિ હોસ્પિટલ નજીક શુક્રવારે એક આશ્ચર્યજનક ઘટના સર્જાઈ હતી. રાજસ્થાન રાજ્યના ખૂંટા ગલીયા વિસ્તારના રહેવાસી એક વ્યક્તિ પોતાની સારવાર માટે આદિ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેઓ GJ-09-BD-4698 નંબરની સફેદ ટ્રાવેરા ગાડીમાં હોસ્પિટલ પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ, ગાડી હોસ્પિટલ નજીક પાર્ક કરવામાં આવી હતી. ત્યારબાદ ગાડીમાં રહેલા વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા. તે દરમિયાન અચાનક પાર્ક કરેલી ટ્રાવેરા ગાડી પોતાની જગ્યાથી આગળ સરકવા લાગી હતી અને નજીકમાં આવેલા શિવમ પેટ્રોલ પંપ પાસેની ખુલ્લી ગટરમાં જઈ ખાબકી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે દોડધામ અને કુતૂહલ ફેલાયું હતું.સદનસીબે, ગાડી ગટરમાં ખાબકી ત્યારે તેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી. જેના કારણે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. જો ગાડીમાં કોઈ મુસાફર બેઠેલો હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. બાદમાં જેસીબી મશીનની મદદથી ગટરમાં ફસાઈ ગયેલી ટ્રાવેરા ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ગાડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી પ્રાથમિક રીતે જોતા ગાડીના આગળના ભાગ સહિત અન્ય ભાગોમાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ગાડી યોગ્ય રીતે પાર્ક ન કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે પાર્કિંગ દરમિયાન પૂરતી તકેદારી રાખવાની જરૂરિયાત અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે.





