
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અમદાવાદનાં નહેરૂનગરથી ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત ગીરીમથક સાપુતારા સુધી નિયમિતપણે કાર્યરત રહેતી GSRTCની વોલ્વો બસ સેવા અચાનક બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે પરિવહનની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.અમદાવાદ અને સાપુતારાને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પરની બસ સેવા બંધ થતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ નહેરૂનગરથી સાપુતારા ખાતે નિયમિતપણે દોડતી આ આરામદાયક વોલ્વો બસને ચોમાસા દરમિયાન કારણ આપીને બંધ કરી દેવામાં આવી છે.જોકે, આ નિર્ણય પાછળનું નક્કર કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, જેના કારણે મુસાફરોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે.બસ સેવા બંધ થવાથી સૌથી વધુ અસર એવા વિદ્યાર્થીઓને થઈ છે, જેઓ પોતાના અભ્યાસ અર્થે બહારગામથી અમદાવાદ તરફ અવરજવર કરતા હતા. હવે તેમને અન્ય મોંઘા અને અનુકૂળ ન હોય તેવા ખાનગી વાહનોનો આશરો લેવો પડી રહ્યો છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન હોવાથી, અમદાવાદ જેવા મેટ્રો શહેર સાથેનું તેનું સીધું જોડાણ પ્રવાસન માટે અત્યંત જરૂરી છે. આ વોલ્વો બસ સેવા બંધ થતાં પ્રવાસીઓને પણ અહીં આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની મોટી સમસ્યા નડી રહી છે. ખાસ કરીને અમદાવાદથી સાપુતારાની શાંતિ અને પ્રકૃતિનો અનુભવ લેવા આવતા પ્રવાસીઓને સીધી બસ સેવાના અભાવે મુશ્કેલી પડી રહી છે.હાલમાં સાપુતારા થઈને આહવા અને મહારાષ્ટ્ર તરફ ઘણી નિયમિત બસો ચાલી રહી છે, ત્યારે માત્ર અમદાવાદને જોડતી આ વોલ્વો બસ સેવાને અચાનક બંધ કરવાના નિર્ણયથી મુસાફરો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે અન્ય બસો ચોમાસામાં પણ કાર્યરત છે, ત્યારે વોલ્વો બસ બંધ કરવા પાછળનું કારણ લોકો સમજી શક્યા નથી.સ્થાનિકો, વિદ્યાર્થી સંગઠનો તેમજ પ્રવાસી સંગઠનો દ્વારા આ વોલ્વો બસ સેવા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. તેમણે રાજ્ય પરિવહન નિગમને વિનંતી કરી છે કે મુસાફરોની, ખાસ કરીને પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને વહેલી તકે આ બસને ફરીથી શરૂ કરવામાં આવે.આ બસ સેવાને ફરી શરૂ કરવાથી પ્રવાસીઓ સહિત વિદ્યાર્થીઓને રાહત મળશે અને સાપુતારાના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે..





