
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આજે સુબીર મામલતદારને મળીને ભારતના રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ.આ આવેદનપત્રમાં ભીલ આદિવાસી સમુદાયના હકો, વિકાસ અને ઓળખ માટે ૩૬ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સૌથી મુખ્ય માંગણી અલગ “ભીલ પ્રદેશ રાજ્ય”ની રચનાની છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભીલ સમાજ ભારતના સૌથી મૂળ નિવાસી સમુદાયોમાંનો એક છે, જેમની વિંધ્ય,સાતપૂડા, અરવલ્લી પર્વતમાળાઓ અને નર્મદા-સાબરમતી જેવી નદીઓના કાંઠે ઊંડી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે. તેમ છતાં, તેઓ રાજકીય, શૈક્ષણિક, આર્થિક અને પ્રાકૃતિક હકો માટે સતત પછાત રહ્યા છે.ત્યારે મુખ્ય માંગણીઓમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓને જોડીને ‘ભીલ પ્રદેશ’ નામે અલગ રાજ્ય બનાવવાની માંગણી,ભીલી ભાષાને માન્યતા આપીને પ્રાથમિક શિક્ષણ ભીલી ભાષામાં શરૂ કરવાની માંગ કરી હતી.આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પીવાના પાણીના પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપવી,અરવલ્લી ગ્રીન વોલ અને હર્બલ પાર્ક યોજના સહિત વૃક્ષારોપણ માટે વિશેષ યોજનાઓ દ્વારા હરિયાળી વિસ્તાર વધારવો,આદિવાસીઓ પોતાની ધાર્મિક ઓળખ સ્થાપિત કરી શકે તે માટે ધર્મ કોલમ ફરીથી સ્થાપવો,જમીન બેંકની રચના કરીને ભૂમિહીન આદિવાસીઓને જમીન આપવી, આદિવાસી નાયકોના પૌરાણિક સ્થળોએ પ્રતિમાઓ સ્થાપી “આદિવાસી પ્રેરણા સ્થળો” વિકસાવવા,અનુસૂચિત ક્ષેત્રોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દારૂમુક્ત વિસ્તારો જાહેર કરવાના કાયદા બનાવવા વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, વન અધિકાર, પાણી, ખનિજ સંપત્તિમાં ભાગીદારી, શિક્ષણ, પોલીસમાં પ્રતિનિધિત્વ, નદીઓના રક્ષણ, બંધારણના ૨૪૪(૧), પાંચમી અનુસૂચિ અને અન્ય અધિકારોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અનેક સૂચનો અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.મોરચાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતુ કે,ભીલ સમુદાયે હંમેશા ભારતની અસલ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે દેશ તેમના અધિકારો, ઓળખ અને અવાજને યોગ્ય જગ્યા આપે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભીલ જનતાના સુખદ ભવિષ્ય માટે અલગ “ભીલ પ્રદેશ રાજ્ય” બનાવવું એ જ એકમાત્ર રસ્તો છે.ગામીત જયેશભાઈ, કુંવર રાજુભાઈ, પવાર અમૂલભાઈ, શાંતિલાલ મીના અને ડેનેશભાઈએ આ કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી..




