AHAVADANGGUJARAT

ડાંગ ભાજપમાં”એક સાંધે ત્યાં તેર તૂટે”તેવી પરિસ્થિતિ: “એક પરિવાર,એક હોદા”ના નિયમના લીરેલીરા,પાયાના કાર્યકરોમાં રોષ…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે.વિશ્વની સૌથી મોટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતી ભાજપમાં હાલ “એક પરિવાર, એક હોદ્દો”નો નિયમ માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. સંગઠનમાં મહત્વના હોદ્દા ભોગવતા નેતાઓ અને તેમના પરિવારજનોએ જ તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારી નોંધાવતા પક્ષની આંતરિક વિસંગતિઓ સપાટી પર આવી છે,જેના કારણે પાયાના કાર્યકરોમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે.ડાંગ જિલ્લા ભાજપમાં હાલ “એક સાંધે ત્યાં તેર તૂટે” જેવી સ્થિતિ સર્જાઈ છે. પાર્ટીની ઘોષિત નીતિ મુજબ સંગઠનના હોદ્દેદારોએ ચૂંટણી મેદાનથી દૂર રહેવાનું હોય છે, પરંતુ અહીં તો હોદ્દેદારો જ ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે.આ પરિસ્થિતિને પગલે પક્ષની વિચારધારા સામે જ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવતા નિષ્ઠાવાન કાર્યકરોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, “શું નિયમો માત્ર સામાન્ય કાર્યકરો માટે જ છે?” આ આંતરિક ખેંચતાણ અને જૂથબાજીને કારણે આગામી ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થવાની ભીતિ છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે તેમ છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જિલ્લામાં પક્ષના લિરેલીરા ઉડી રહ્યા છે છતાં જવાબદાર નેતાઓ મૌન સેવી રહ્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાવીત અને પ્રભારી રાજેશભાઈ દેસાઈ આ સમગ્ર તમાશો મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હોય તેમ જણાય છે. સંગઠનના હોદ્દેદારોના પરિવારજનોની દાવેદારીને રોકવામાં નિષ્ફળ રહેલું આ નેતૃત્વ પાયાના કાર્યકરોનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે.જો ભાજપ હાઈકમાન્ડ આ મામલે કડક હાથે કામ નહીં લે, તો શિસ્ત અને કેડરના નામે અપાતી દુહાઈઓ માત્ર પોકળ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ ડાંગમાં ફેલાયેલી આ અરાજકતાને ડામશે કે પછી “એક પરિવાર-એક હોદ્દો”નો નિયમ કાયમ માટે કચરાપેટીમાં પધરાવી દેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!