વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
‘જન આક્રોશ’ સભાની તૈયારીઓ માટે આહવા ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક..
ગુજરાત કોંગ્રેસે ડાંગ જિલ્લામાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આયોજિત આગામી “જન આક્રોશ” સભાને સફળ બનાવવા માટે આજે આહવા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.ડાંગ ખાતે જન આક્રોશ સભામાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે,આજરોજ ડાંગ કૉંગ્રેસ સમિતિ દ્વારા સભાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.ડાંગ જિલ્લાની જનતાના વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ પર સરકારનું ધ્યાન દોરવા માટે આ “જન આક્રોશ” સભા આગામી તારીખ ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રંગ ઉપવન ખાતે યોજાશે.આ જન આક્રોશ સભામાં વરિષ્ઠ નેતાઓની સાથે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને વલસાડ-ડાંગના માજી સાંસદ કિશનભાઇ પટેલ પણ હાજર રહેશે. આ સભામાં મુખ્યત્વે ડાંગ જિલ્લાના સ્થાનિક અને જ્વલંત પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં ખાસ કરીને આદિવાસીઓના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને વિકાસના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવશે. કોંગ્રેસનું નેતૃત્વ માને છે કે આદિવાસી બહુલ વિસ્તારમાં આ મુદ્દાઓ જનતાના જીવન પર સીધી અસર કરે છે અને તેને તાત્કાલિક નિરાકરણની જરૂર છે.આજની મિટિંગમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માજી પ્રમુખ, મહામંત્રીઓ, ફ્રન્ટલ સેલના પ્રમુખો, ડાંગ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ, તાલુકા પ્રમુખો તેમજ સંગઠનના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓને “જન આક્રોશ” સભાને જંગી સફળતા અપાવવા માટે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે તમામ લોકોને આ સભામાં જોડાઈને જનતાના અવાજને વધુ બુલંદ કરવા માટે આહ્વાન કર્યું છે.સમગ્ર ડાંગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આ સભા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જે આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવે તેવી શક્યતા છે.