
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લો એ પ્રકૃતિના ખોળે વસેલો એક વિસ્તાર છે. જ્યાં ખેતીકામ એક આવકનો મુખ્ય સ્ત્રોત છે.ત્યાં દરેક ખેડૂતો અને આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બાઈક ની મદદથી ભાત ઝૂડવાની પ્રક્રિયા કરતા ખેડૂતો નજરે પડ્યા હતા.દક્ષિણ ગુજરાતના જિલ્લાના છેવાડાના વિસ્તારમાં રહેતા આદિવાસીઓ દ્વારા ડાંગર જેવા ધાન્યોના પાકની “ઝૂડણી” ની એ એક કૃષિ પ્રક્રિયા છે. જેમાં કાપણી પછી પાક કે ધાન્ય ના કણસલા/કંતી માંથી છોડ સાથેનું દાણા કે બીજ છૂટું પાડવામાં આવે છે. તેને ડાંગ,તાપી અને વલસાડ જેવા વિસ્તારમાં ” મોળણી” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લણણી અને છડવાની વચ્ચેની પ્રક્રિયા છે. આ ક્રિયામાં કાપેલા પાકને કોઇ પણ પ્રકારે ઝૂડવા કે છૂંદવામાં આવે છે, જેથી પાકમાંથી છોતરા સાથેના દાણા અલગ થઈ જાય.ત્યારે આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપના અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ખેત વિસ્તારમાં કાપણી પછી ઝૂડણીની પ્રક્રિયા માટે મજૂરો સહેલાઈથી ઉપલબ્ધ નહિ હોવાના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બાઈક તેમજ ટ્રેક્ટર ઓ જેવા યાંત્રિક સાધનો ઉપરનો ઉપયોગ કરતા નજરે પડે છે. ઝૂડણીની પ્રક્રિયા મોટે ભાગે ધોકા દ્વારા ઝૂડીને અથવા બળદ ચલાવી તેમાં બળદ ના મોં પર ગડવી પણ બાંધે છે. જેથી પાકને તેઓ નુકસાન કરતા નથી. અન્ય રીતમાં હાથ થી મસળીને શીંગોમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. ક્યારેક તો હાલમાં ઉપલબ્ધ થ્રેસરનો પણ ઉપયાગ કરવામાં આવે છે. જેથી સમયનો પણ બચત થાય છે. આ ઉપરાંત બીજી કેટલીક ટેકનિકમાં પહેલા કાપેલા પાકને ખળીમાં એક કડક તળ પર પાથરી બળદોને તેના પર ગોળગોળ ફેરવવામાં આવે છે. આ પશુ પાક પર ફરતાં છોતરાં સાથેના દાણા અલગ થાય છે. ત્યાર પછી જેમા ડાંગરના દાણાં અને ચરો અલગ કરવા માટે પવનના વેઞની દિશામાં છોડવામાં આવે છે.જેના દ્વારા ડાંગરના દાણાં નીચે પડે છે અને કચરો દૂર થાય છે.ત્યારે અહીં સમયના અભાવે અને મજૂર સહેલાઈથી મળી નહીં શકવાને કારણે અને યાંત્રિકીકરણ વધવાને કારણે આજના ખેડૂતો યાંત્રિક ખેતી તરફ વળ્યા છે અને તેની સાથે સાથે યોગ્ય ,સારી અને જૂની પદ્ધતિઓ પણ ભુલાતી જાય છે..




