AHAVADANGGUJARAT

ગુજરાતનો ચેરાપૂંજી ગણાતો ડાંગ જિલ્લો ઉનાળાની શરૂઆત પહેલા જ જળસંકટમાં..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યનો ચેરાપૂંજી ગણાતો ડાંગ જિલ્લો આજે ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યુ છે.સૌથી વધુ વરસાદ પ્રાપ્ત કરનાર આ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે.ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીનાં કારણે આદિવાસી મહિલાઓને પીવાના પાણી માટે એક-એક ટીપા માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાઈ છે.ડાંગ જિલ્લામાં ચોમાસામાં મન મૂકીને મેઘરાજા વરસતો હોવા છતાં, ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની તંગી અનુભવાઈ રહી છે.ખાસ કરીને ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં લવચાલી ગામમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે.ગામની આદિવાસી મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે. બારેમાસ વહેતી પૂર્ણા નદીમાં પાણી હોવા છતા ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર ઉપેક્ષાના કારણે ગ્રામજનોને પથરાળ કોતરોમાં ઉઝરડા પાડીને ગંદું પાણી ગાળી પીવાની નોબત આવી છે.ગ્રામ્ય મહિલાઓનું કહેવું છે કે, “અમારે સવારથી પાણી માટે નીકળી જવું પડે છે. જંગલમાં બહુ દૂર સુધી જવું પડે છે, છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી.” છેલ્લા એક વર્ષથી ચાલતી આ પરિસ્થિતિને કારણે હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે. જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગામજનોએ આપી છે.લવચાલી ગામના પોલીસ પટેલ દત્તુભાઈએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગામની આસપાસ પૂર્ણા નદીનું વહેણ હોવા છતાં ચેઇન સિસ્ટમથી ચેકડેમો બનાવવામાં આવ્યા છે, તેમ છતા પણ પાણી પુરવઠા વિભાગ ગ્રામજનો સાથે કિન્નાખોરી કરી રહ્યું છે.આજરોજ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વર પટેલને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા તેમણે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપી છે.ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પાણીની સમસ્યા ઉકેલવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!