વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત સોમવારે રાત્રિના અરસામાં વાદળ ફાટવાને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આહવા તાલુકાના ચીકટિયા-ગાઢવી પંથકમાં વાદળ ફાટવાથી સર્જાયેલી રેલ જેવી પરિસ્થિતિને કારણે વ્યાપક ધોવાણ અને ખાનાખરાબી થઈ હતી.આહવાનાં તળેટીય વિસ્તારમાંથી પસાર થતી ખાપરી નદી ભયજનક સપાટી વટાવી જતા પુરનું પાણી ગામો સહીત જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગો પર ફરી વળતા મોટું નુકસાન થયુ હતું.આ કુદરતી આપદાના પગલે ભવાનદગડથી ખાપરીને જોડતા માર્ગમાં ઠેરઠેર ભેખડો, માટીનો મલબો અને વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની હતી.જેની જાણ થતા જ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.આ વિસ્તારના લોકોને અગવડ ન પડે અને વાહન વ્યવહાર અકબંધ રહે તે માટે ગતરોજથી જ તેમની ટીમ જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ અને મદદનીશ ઈજનેર સાગર ગંવાદેનો સમાવેશ થાય છે,તેઓ દ્વારા માર્ગ મરામતની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની ટીમે ભવાનદગડ-સતી-વાંગણ-વડથાળ,ખાપરી રોડ પર થયેલ ભૂસ્ખલનની સફાઈની કામગીરી હાથ ધરી છે.અહી જેસીબી ટ્રેકટર અને માનવબળ કામે લગાવી યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી અંતરિયાળ ગામડાઓની ખેવના કરતા લોકોએ કામગીરીને બિરદાવી છે..