AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસ વિભાગે મેડિકલ સ્ટોર્સ પર નશીલા દ્રવ્યોનાં વેચાણ અંગે તપાસ હાથ ધરી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય અને રાજ્યના ડીજીપીની સૂચના મુજબ ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાનાં મેડિકલ સ્ટોર્સ  ખાતે દવાના નામે નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે એક વ્યાપક અભિયાન હાથ ધર્યું છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ, આ તપાસ માટે કુલ 13 ટીમોની રચના કરવામાં આવી હતી.આ ટીમોમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, મહિલા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, LCB (સ્થાનિક ગુના શાખા) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ના કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ ટીમો દ્વારા જિલ્લાના કુલ 23 મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન, મુખ્યત્વે બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.જેમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ અને મેડિકલ સ્ટોર્સ પાસે યોગ્ય લાયસન્સ છે કે નહીં. આ તપાસના પરિણામ સ્વરૂપ, કુલ છ મેડિકલ સ્ટોર્સ એવા મળી આવ્યા હતા જે પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા હતા.આ ગેરરીતિ બદલ, ડાંગ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને આ અંગેની જાણ કરી છે અને આ મેડિકલ સ્ટોર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. ડાંગ જિલ્લા પોલીસનો આ પ્રયાસ મેડિકલ સ્ટોર્સ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ મૂકવા અને જાહેર સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટેનો એક મહત્વપૂર્ણ પગલુ છે.

Back to top button
error: Content is protected !!