AHAVADANGGUJARAT

વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યુવા પેઢીમાં કાયદાકીય સમજ અને સુરક્ષા  પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, વઘઇ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી દ્વારા વર્તમાન સમયના પડકારોને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ફ્રોડથી બચવા માટેની સાવચેતીઓ સમજાવવામાં આવી હતી. સાથે જ, સરકારની ‘સાયબર વોલેન્ટીયર યોજના’ વિશે માહિતી આપી યુવાનોને સાયબર સુરક્ષામાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત જળવાઈ રહે અને નવા આવતા વિદ્યાર્થીઓ નિર્ભય બની અભ્યાસ કરી શકે તે માટે એન્ટી રેગિંગ કાયદા વિશે કડક સમજ આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન અને અકસ્માતના સમયે મદદરૂપ થવા માટેની ‘રાહવીર યોજના’ વિશે વિગતે વાત કરવામાં આવી હતી. તાજેતરમાં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાકીય પાસાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેથી તેઓ પોતાના હકો અને ફરજો પ્રત્યે સજાગ બને.કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે ૧૮૧ (અભયમ), ૧૧૨ અને સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ જેવા મહત્વના નંબરોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે પોલીસે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ‘ત્રણ વાત તમારી’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો અને મૂંઝવણો રજૂ કરી હતી, જ્યારે ‘ત્રણ વાત અમારી’ દ્વારા પોલીસે નાગરિક ધર્મ અને કાયદાના પાલન અંગે મહત્વની અપીલ કરી હતી.આ પ્રસંગે ડાંગ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના આચાર્ય તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સુરક્ષિત અને ગુનામુક્ત સમાજના નિર્માણ માટે સહયોગ આપવાના શપથ લીધા હતા..

Back to top button
error: Content is protected !!