
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી કાજલ આંબલીયાની બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ડાંગના જ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર (DSO) યુ.વી. પટેલની નિમણૂક કરવામાં આવી છે.છેલ્લા કેટલાક સમયથી ડાંગમાં પ્રાંત અધિકારી તરીકે કાર્યરત કાજલ આંબલીયાની અન્યત્ર બદલીના આદેશો છૂટતા સ્થાનિક વહીવટી આલમમાં ગરમાવો જોવા મળ્યો છે. કાજલ આંબલીયાએ તેમના કાર્યકાળ દરમિયાન મહેસૂલી પ્રશ્નો અને આદિવાસી વિસ્તારના વહીવટી કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.તેમના સ્થાને હવે ડાંગ જિલ્લાના જ પુરવઠા વિભાગમાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર (DSO) તરીકે કામગીરી કરી રહેલા યુ.વી. પટેલને આહવા પ્રાંત અધિકારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.યુ.વી. પટેલ અગાઉથી જ ડાંગ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાથી તેઓ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. પ્રાંત અધિકારી તરીકે હવે તેમની સામે મહેસૂલી કામગીરી, ચૂંટણીલક્ષી તૈયારીઓ,લોક પ્રશ્નો વગેરે મુદ્દાઓ જોવા મળી રહ્યા છે.સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા વહીવટી સુધારો અને કાર્યક્ષમતા વધારવા માટે નિયમિત અંતરે આવી બદલીઓ કરવામાં આવતી હોય છે. ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્રાંત અધિકારી યુ.વી. પટેલ આગામી દિવસોમાં પોતાનો ચાર્જ સંભાળી લેશે.આ ફેરફારથી ડાંગના વહીવટી તંત્રમાં નવી ઊર્જા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.





