AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા SP પૂજા યાદવે સાપુતારા ખાતે સાયબર ફ્રોડ અને ટ્રાફિક અને પ્રવાસીઓનો સુરક્ષાનાં મુખ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયા તેમજ સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.આઈ.વી.કે.ગઢવી સહીત સાપુતારા હોટલ એસોસિયેશનના સભ્યો તેમજ નવાગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ડાંગ જિલ્લા પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળ સ્થાપિત કરવા અને પ્રવર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન, સાપુતારા હોટલ એસોસિયેશનના સભ્યો દ્વારા એક અત્યંત ગંભીર અને તાત્કાલિક સમસ્યા, એટલે કે સાયબર ફ્રોડ નો મુદ્દો ખાસ કરીને રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓ અને હોટલ માલિકો બંને સમયાંતરે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ખોટી અથવા બનાવટી હોટલ બુકિંગ વેબસાઇટ્સ બનાવવામાં આવી રહી છે, જેના કારણે નાણા ગુમાવવા સાથે સાપુતારાની છબીને પણ નુકસાન થઈ રહ્યું છે.એસોસિયેશને SP પૂજા યાદવ સમક્ષ આ પ્રકારના ફ્રોડને રોકવા માટે વિશેષ પગલાં લેવાની અને સ્થાનિક પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવાની માંગણી કરી હતી.સાપુતારા નજીક આવેલા નવાગામના ગ્રામજનો વતી, પોલીસ પટેલ દ્વારા ગામ તેમજ પ્રવાસન વિસ્તારને અસર કરતી કેટલીક સ્થાનિક સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.મુખ્યત્વે, પ્રવાસી સિઝન દરમિયાન વધતા વાહન વ્યવહારને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યા અને તેના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બનતા ઘરફોડ ચોરીના બનાવો પર પણ તેમણે ધ્યાન દોર્યું હતું. તેમણે પોલીસ પેટ્રોલીંગ વધારવા અને ચોરીના બનાવોને અટકાવવા માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે સાપુતારા હોટલ એસોસિયેશન અને ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા હતા. તેમણે ખાસ કરીને સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસ સ્તરે તપાસ હાથ ધરવા અને પ્રવાસીઓમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો ઝડપથી શરૂ કરવાની ખાતરી આપી હતી. SP પૂજા યાદવે પ્રવાસીઓની સુરક્ષા સહીત ગામ અને આસપાસના વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.આ બેઠક ડાંગ જિલ્લા પોલીસ અને સ્થાનિક જનતા વચ્ચે સહયોગ વધારવામાં મદદરૂપ નીવડી હતી, અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવી હતી..

Back to top button
error: Content is protected !!