
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના જુદા જુદા ક્ષેત્રમાં અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જે અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યને પણ બિરદાવવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવી પ્રાકૃતિક આહાર અપનાવે અને વ્યસન મુક્ત બની રોજગાર પ્રાપ્ત કરે તેવા સતત પ્રયાસો ચાલી રહેલ છે, જે માટે સપ્ટેમ્બર ૨૦૨૪ થી આજદિન સુધી સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે, જાહેર સ્થળો ઉપરાંત શાળા અને કોલેજ કક્ષાએ કુલ ૧૦૦ થી વધુ યોગ શિબિર ૫૦૦ જેટલા યોગ સંવાદ, યોગ સ્પર્ધા, શાળાઓમાં યોગ અભ્યાસક્રમ, યોગ કોચ અને યોગ ટ્રેનર માટે રીફ્રેશર ટ્રેનિંગ, ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે સહભાગી થઈ યોગ નો વ્યાપ વધારવા અનેક નાના મોટા કાર્યક્રમો કરેલ છે. સાથે ગ્રામ્ય વિસ્તાર અને શાળાઓ માં ૩૦ કરતા વધુ યોગ વર્ગો કાર્યરત છે, ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન ઉપરાંત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન, સમર કેમ્પ જેવા સફળ કેમ્પ પણ હાથ ધરવામાં આવેલ છે. તેમજ જિલ્લામાં ૫૦ થી વધુ યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવ્યાં છે. જે કામગીરી બદલ ડાંગ જિલ્લાના યોગ કોઓર્ડીનેટર પ્રિયંકાબેન ભોયે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સબ જેલ આહવામાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે યોગ વર્ગ ચલાવનાર શ્રીમતિ સરિતાબેન ભોયેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.





