
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગાઢ જંગલો આજે ગંભીર સંકટ સામે ઉભા છે.આ લીલાછમ જંગલો પર આજે ખુલ્લેઆમ કુહાડી ચલાવવામાં આવી રહી છે.લીલા અને કુમળા વાંસના આડેધડ કટિંગને કારણે ડાંગની હરિયાળી ઝડપથી નષ્ટ થઈ રહી છે,અને જંગલો પણ બોડા બનતા જાય છે.જેના પરિણામે વન્યજીવોના કુદરતી આશ્રયસ્થાનો ખતમ થતા જંગલી પ્રાણીઓ માનવ વસાહતો તરફ ધસી રહ્યા છે.અને વારંવાર હુમલાઓ કરી રહ્યા છે.વન વિભાગ દ્વારા વાંસને ઘાસ કુળની વનસ્પતિ જાહેર કર્યા બાદ તેની કાપણીમાં બેફામ છૂટછાટ અપાઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.દિવસ-રાત ચાલતા કુમળા વાંસના કટિંગથી અનેક વિસ્તારોમાં ગીચ ઝાડીઓ નષ્ટ થઈ ગઈ છે.વાંસની ઝાડીઓ,દિપડાઓ, હરણા,સસલા, જંગલી સૂવર સહિત અનેક પ્રજાતિઓ માટે સુરક્ષા કવચ અને નિવાસસ્થાન છે, પરંતુ આ કવચ હવે ધીરે ધીરે નષ્ટ થતા માનવ અને વન્યજીવનાં સંઘર્ષમાં ચિંતાજનક વધારો થયો છે.તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના દેખાવ,માનવી પર હુમલા, ખેતીના પાકને નુકસાન, પશુઓ પર હુમલાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.પર્યાવરણ પ્રેમીઓનો ગંભીર આક્ષેપ છે કે કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસ કે પર્યાવરણીય અસર મૂલ્યાંકન કર્યા વગર જ વાંસ કટિંગ માટે પરવાનગીઓ આપવામાં આવી રહી છે.ડાંગ જેવા આદિવાસી અને પર્યાવરણ સંવેદનશીલ જિલ્લામાં જંગલો માત્ર વૃક્ષો નથી, પરંતુ સમગ્ર પરિસ્થિતિતંત્રનો આધારસ્તંભ છે.વાંસ માટીનું ધોવાણ અટકાવે છે,વરસાદી પાણીનું સંચય કરે છે અને વન્યજીવો માટે ખોરાક તથા નિવાસ પૂરો પાડે છે. આવી સ્થિતિમાં કુમળા વાંસનું બેફામ કટિંગ ડાંગના પર્યાવરણ માટે દીર્ઘકાળીન અને અપૂરણીય નુકસાન સાબિત થઈ શકે છે.ડાંગ જિલ્લાનાં પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક વાંસ કટિંગની કામગીરી સ્થગિત કરવાની, સ્વતંત્ર પર્યાવરણ નિષ્ણાતોની સમિતિ રચી સમગ્ર મામલે તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.હવે પ્રશ્ન એ છે કે વન વિભાગ સમયસર કડક પગલાં લઈ ડાંગના જંગલો બચાવશે કે પછી લીલાછમ ડાંગ ધીમે ધીમે બોડા જંગલોમાં પરિવર્તિત થતો રહેશે?ડાંગનું પર્યાવરણ બચાવવું એ માત્ર એક જિલ્લાના નહીં પરંતુ સમગ્ર રાજ્યની સામૂહિક જવાબદારી છે.ત્યારે ડાંગ જિલ્લામાં આડેધડ થઈ રહેલ કુમળા વાંસનું નિકંદન અટકશે કે પછી વિનાશ તરફ દોરી જશે જે સમય જ બતાવશે..





