AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનો સાપુતારા–આહવા માર્ગ બન્યો બિસ્માર 40 કિમીના ખાડાઓના કારણે વાહનચાલકો ત્રાહિમામ…

વાત્સલ્યમ સમાચાર

       મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાને જિલ્લા મુખ્યમથક આહવા સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં પોતાની અત્યંત દયનીય સ્થિતિને કારણે “હાઇવે” કરતાં વધુ “ખાડા માર્ગ” તરીકે ઓળખાઈ રહ્યો છે.સાપુતારાથી સામગહાન–ગલકુંડ માર્ગે આહવા સુધીના આશરે 40 કિમી લાંબા માર્ગ પર ઠેરઠેર ડામર સપાટી ઉખડી જતા મોટા-મોટા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.શામગહાનથી જાખાના, ધૂમખલ, ગલકુંડ, લ્હાનચર્યાં, ટાકલીપાડા, ઉંમરપાડા તેમજ બોરખલથી આહવા શિવઘાટ વિસ્તાર સુધી માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે.અનેક સ્થળોએ ડામર સંપૂર્ણપણે ઉખડી જતાં રોડ પર ખાડા પર ખાડા જોવા મળે છે. ખાસ કરીને વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ ન આવવાથી અકસ્માતોની સંભાવના વધી ગઈ છે. છેલ્લા સમયગાળામાં નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે હાઇવે ઓથોરિટી તથા સંબંધિત વિભાગોની બેદરકારીને કારણે માર્ગની નિયમિત મરામત કરવામાં આવતી નથી. અનેક વખત રજૂઆતો છતાં માત્ર કાગળ પરની કાર્યવાહી થતી હોવાની ચર્ચા છે. લોકો માટે મહત્વપૂર્ણ આ માર્ગ હવે માથાનો દુખાવો બની ગયો છે,જ્યારે જવાબદાર તંત્ર માટે જાણે આ મુદ્દો પ્રાથમિકતામાં નથી.

અત્રે નોંધનીય છે કે વઘઇ–સાપુતારા માર્ગ પર સાકરપાતાળ બ્રિજની મરામત કામગીરી ચાલી રહી હોવાથી ભારે વાહનો અને સ્લીપર બસોને આહવા–સાપુતારા માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પરિણામે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ અનેકગણું વધ્યું છે. ભારે ટ્રકો અને બસોની સતત અવરજવરથી પહેલેથી જ ખરાબ માર્ગ વધુ નુકસાન પામી રહ્યો છે. અનેક સ્થળોએ માલવાહક ટ્રકો ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાય છે, તો કેટલાક ડ્રાઈવરો ખાડા ટાળવાના પ્રયાસમાં વાહનનું સંતુલન ગુમાવી અકસ્માતનો ભોગ બને છે.

સવાલ એ છે કે જ્યારે આ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે જાહેર છે અને રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા તરફ જતો મુખ્ય માર્ગ છે, ત્યારે તેની જાળવણીમાં આટલી ઉદાસીનતા કેમ? પ્રવાસન દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાપુતારા સુધી પહોંચતા માર્ગની આવી હાલત રાજ્ય સરકારના વિકાસના દાવાઓ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વાહનચાલકો દ્વારા માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરી માર્ગનું સંપૂર્ણ રીસરફેસિંગ કરવામાં આવે અને માર્ગને સલામત બનાવવામાં આવે. માત્ર પેચવર્ક નહીં, પરંતુ ગુણવત્તાસભર અને કાયમી મરામત હાથ ધરવામાં આવે તેવી માંગ છે. સાથે જ વધેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખી ટેક્નિકલ સર્વે કરી માર્ગને વધુ મજબૂત બનાવવાની પણ માંગ ઉઠી છે.જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગશે કે પછી હંમેશાની જેમ દુર્ઘટના બાદ જ પગલાં લેવામાં આવશે—આ પ્રશ્ન આજે ડાંગ જિલ્લાના દરેક વાહનચાલકના મનમાં ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ જનહિતના ગંભીર મુદ્દે કેટલી ઝડપથી સંવેદનશીલતા દાખવે છે..

Back to top button
error: Content is protected !!