AHAVADANGGUJARAT

ડાંગ એલ.સી.બી.ની ટીમે અઢી વર્ષથી નાસતા-ફરતા પ્રોહિબિશનના આરોપીને દમણથી ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમિયાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.ઘટનાની વિગત એવી છે કે, આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા. ડાંગ એલ.સી.બી.ની ટીમ આ ગુનામાં વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતી, તે દરમિયાન તેમને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનાનો મુખ્ય આરોપી અનીલભાઈ સુરેશભાઈ હળપતિ હાલમાં નાની દમણ વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીમાં એ પણ જાણવા મળ્યું હતું કે આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે પ્રવાસી (ટુરિસ્ટ) જેવો વેશ ધારણ કર્યો છે અને તે ગુલાબી કલરની હાફ સ્લીવની ટી-શર્ટ તથા ગ્રે કલરના લોવર પેન્ટમાં સજ્જ છે. બાતમી મળતા જ ડાંગ એલ.સી.બી.ની એક ટીમ તાત્કાલિક કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે રવાના થઈ હતી. પોલીસે બાતમી મુજબના સ્થળ એટલે કે નાની દમણની જી.ટી.ચોકડી પાસે ફાલુદાની રેકડી નજીક વોચ ગોઠવી હતી. પોલીસની બાજ નજર જેવી જ વર્ણન મુજબના ઈસમ પર પડી, કે તરત જ તેને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અનીલભાઈ સુરેશભાઈ હળપતિ (રહે. દોરી કડૈયા ગામ, દમણ) હોવાનું સ્વીકાર્યું હતું.આરોપીએ અઢી વર્ષ સુધી પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે સતત વેશપલટો કર્યો હતો, પરંતુ આખરે ડાંગ પોલીસની સજાગતાને કારણે તે પકડાઈ ગયો હતો.ઉલ્લેખનીય છે કે, આ પ્રોહિબિશનના ગુનામાં અગાઉ પણ ત્રણ આરોપીઓ – મનિષભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે.વલસાડ), વિરાંગભાઈ ઉર્ફે બન્ટો રમેશભાઈ રાઠોડ (રહે.સુરત) અને પ્રિયાંક ઉર્ફે ગોપી મુકેશભાઈ પટેલ (રહે.વાપી) ની ધરપકડ કરવામાં આવી હતી. અનીલ હળપતિની ધરપકડ બાદ હવે ડાંગ પોલીસે તેને આહવા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!