
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાના અપહરણના મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના સમયમાં અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડી ૧૭ વર્ષીય સગીરાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી છે.મળતી માહિતી મુજબ, ગત તારીખ ૦૫/૦૩/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ સગીરાનું તેના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. આ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.જે બાદ આહવા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.જે.જી.અનડકટની ટીમ સક્રિય બની હતી.લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.જે.જી.અનડકટને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સગીરાને લઈને પીપલનેર ગામ પાસે ખેતરમાં મજૂરી અર્થે આવ્યો છે અને ત્યાંથી પગપાળા મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે.આ બાતમીના આધારેપોલીસે સુબીર તાલુકાના નકટીયા હનવત ફોરેસ્ટ નાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા એક યુવક અને યુવતીને રોકી પૂછપરછ કરતા તે ગુન્હામાં સંડોવાયેલ આરોપી અને ભોગ બનનાર સગીરા હોવાનું બહાર આવ્યું હતુ.હાલમાં પોલીસે આ કેસમાં મેહુલભાઇ સદુભાઇ ભોયે (ઉંમર ૧૯, રહે. કેળ ગામ, તા. સુબીર) ની ધરપકડ કરી છે. ભોગ બનનાર સગીરાનું રેસ્ક્યુ કરી તેને કાઉન્સેલિંગ માટે લાવવામાં આવી હતી અને ત્યારબાદ આગળની તપાસ માટે આહવા પોલીસને સોંપવામાં આવી છે.આ બાબતેની વધુ તપાસ પી.આઈ.આર.એસ.પટેલ કરી રહ્યા છે..




