
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નાતાલનાં પર્વ અને આગામી ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ૨૫ ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં પોલીસનો સઘન બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ખાસ કરીને ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારો અને પ્રવેશદ્વારો પર આવેલી ચેકપોસ્ટને એલર્ટ કરી દેવામાં આવી છે, જ્યાં દરેક વાહનોનું ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવ દ્વારા આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં આજથી ૧૦ દિવસીય વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકો માટે નાતાલ અને નવા વર્ષની ઉજવણી સલામત અને આનંદદાયક બનાવવાનો છે.ડાંગ SP પૂજા યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, “નશાની હાલતમાં વાહન ચલાવવાથી ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિ રહે છે, જે પોલીસ માટે ચિંતાનો વિષય છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ ડ્રાઈવમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપે.”આ વિશેષ ઝુંબેશ દરમિયાન જિલ્લાના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેજ ગતિથી કરવામાં આવશે. નશો કરીને વાહન ચલાવતા તત્વોને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ‘બ્રેથ એનેલાઈઝર’ સાધન સાથે સજ્જ રહેશે. જો કોઈ પણ વ્યક્તિ ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ કરતા ઝડપાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરી સ્પેશિયલ કેસ નોંધવામાં આવશે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા પુજા યાદવે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નાગરિકને ફરિયાદ હોય અથવા કોઈ અઘટિત ઘટનાની જાણકારી આપવી હોય, તો તેઓ તુરંત ‘૧૧૨’ નંબર પર સંપર્ક કરી શકે છે..





