ડાંગ જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા ૧૪ લાખના મોબાઈલ પરત કરી ડાંગ પોલીસ ગુજરાતમાં અવ્વલ ક્રમે આવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસે માનવીય અભિગમ દાખવીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા, ચોરાયેલા કે ગુમ થયેલા લાખો રૂપિયાના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા છે. વર્ષ 2024-25નાં સમયગાળા દરમિયાન પોલીસે કુલ 91 મોબાઈલ ફોન, જેની કિંમત રૂા. 13,93,381/- થાય છે, તે અરજદારોને પરત સોંપ્યા છે. આ પ્રશંસનીય કામગીરી બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લા પોલીસ વિભાગે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. નિરંજન પોતાની ટીમ સાથે સતત કાર્યરત છે.તાજેતરમાં જ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચાલુ માસમાં ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ પડી જવા, ખોવાઈ જવા કે ગુમ થવા અંગેની અરજીઓ મળી હતી.આ અરજીઓના અનુસંધાને ડાંગ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા C.E.I.R. (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલ પર ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફે સંકલનમાં રહીને હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને કુલ 17 મોબાઈલ ફોન, જેની કિંમત રૂા. 2,67,304/- છે, તે રિકવર કર્યા અને તેના અરજદારોને પરત સોંપ્યા.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પોલીસે વર્ષ 2024-25 દરમિયાન આજ દિન સુધીમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ કુલ 91 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત કર્યા છે, જેની કુલ કિંમત રૂા. 13,93,381/- થાય છે. આ સફળ કામગીરીને પગલે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ સમગ્ર રાજ્યમાં મોખરે રહી છે અને તેમની આ કામગીરી ખરેખર પ્રશંસનીય બની છે. ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મળતા અરજદારોએ ડાંગ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી..



