
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમ દ્વારા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ખાતે મજૂરી અર્થે ગયેલા અને છેલ્લા એક અઠવાડિયાથી સંપર્કવિહોણા થયેલા કડમાળ ગામના ૨૦ મજૂરોને શોધી કાઢી, આહવા પોલીસે તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.આહવા પોલીસ સ્ટેશન વિસ્તારના કડમાળ ગામના ૨૦ જેટલા મજૂરો મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લાના સટાણા તાલુકાના બામણગાવ ખાતે મજૂરી કામ માટે ગયા હતા. છેલ્લા એક સપ્તાહથી આ મજૂરોનો તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શકતો ન હતો.આ ગંભીર બાબતે ગામના સામાજિક અગ્રણી સુરેશભાઈ ચૌધરીએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પુજા યાદવનો સંપર્ક સાધ્યો હતો.રજૂઆત મળતા જ પોલીસ અધિક્ષક પુજા યાદવ (IPS) એ તાત્કાલિક ધોરણે આહવા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલને કાર્યવાહીના આદેશ આપ્યા હતા.નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસની ખાસ ટીમો બનાવવામાં આવી હતી.આહવા પોલીસે મહારાષ્ટ્રની સટાણા પોલીસની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી. અંતે, આ તમામ ૨૦ મજૂરોને શોધી કાઢી આહવા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ચિંતાતુર પરિવારજનો સાથે તેમનું મિલન કરાવવામાં આવ્યું હતુ. અહી વતન પરત ફરતા જ સૌ કોઈનાં મોઢા પર સ્મિત રેલાયું હતુ.અને ડાંગ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી..





