વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ચંદરભાઈ પટેલે પોતાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યુ છે. જેમાં તેમણે ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષનો દેખાવ નિરાશા જનક રહેવાને કારણે રાજીનામું આપેલુ હોવાનું જણાવ્યુ હતુ.હાલમાં ડાંગ વલસાડ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની હાર થઈ હતી. અને ભાજપનાં સ્કાયલેબ ઉમેદવાર ધવલ પટેલની જીત થઈ હતી.ત્યારે ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષનો દેખાવ નિરાશા જનક હોવાને કારણે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મુકેશભાઈ ચંદરભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો નિરાશાજનક દેખાવના કારણે પ્રમુખ મુકેશ પટેલે નૈતિક જવાબદારી સ્વીકારી પદ પરથી રાજીનામું આપ્યુ હોવાનું જણાવ્યું હતુ.અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું સોંપી દેવામાં આવ્યુ છે. જોકે અચાનક મુકેશ પટેલ દ્વારા રાજીનામું આપી દેવામાં આવતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.કારણ કે હાલની લોકસભાની ચૂંટણીમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરો હોવા છતાંય કૉંગ્રેસ દ્વારા જિલ્લામાં કમબેક કરાયુ છે.ડાંગ જિલ્લામાં વિધાનસભા, જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયત પર ભાજપાનો કબ્જો હોવા છતાંય લોકસભાની ચૂંટણીમાં ડાંગ 173 બેઠક પરથી ભાજપાને માત્ર 1700 મતોની લીડ મળી છે.ડાંગ જિલ્લામાં અગાઉની બે વિધાનસભાની વાત કરીએ તો પ્રથમ 60 હજારની લીડ અને બાદમાં 20 હજારની લીડ ભાજપાને મળી હતી.જે હાલની લોકસભાની ચૂંટણીમાં 1700 મતો પર આવી અટકી ગઈ છે.તેવામાં ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા સારૂ પ્રદર્શન કર્યા હોવા છતાંય કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પટેલે અચાનક રાજીનામુ ધરી દેતા કાર્યકર્તાઓમાં અચરજ સર્જાયુ છે.વધુમાં મુકેશભાઈ પટેલે જણાવ્યુ છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જે કોઈપણ અન્ય જવાબદારી સોંપવામાં આવશે તે પુરા ખંત,નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક નિભાવીશ એવી ખાત્રી આપી છે…